કર્ણાટકમાં એક માર્ગ અકસ્માતમાં બાદ અંગોનું દાન કરીને છ દર્દીઓને નવું જીવન આપ્યું છે. મહત્વનું છે કે કર્ણાટકના ઉડુપી જિલ્લાના ઉપપુંડા, બાયન્દુરની રહેવાસી કોડેરી શિલ્પા માધવને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને વધુ સારવાર માટે મણિપાલની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અવિનાશ શેટ્ટીના જણાવ્યા અનુસાર, ડૉક્ટરોએ તેને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમ છતાં તેઓ બચી શક્યા નહી. આ પછી ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન્સ એક્ટ દ્વારા પ્રોટોકોલ મુજબ નિષ્ણાત ડોકટરોની પેનલ દ્વારા મહિલાને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી.
ડોક્ટરોએ મહિલાને બ્રેઈન ડેડ જાહેર કર્યા બાદ તેમના પતિ પ્રસન્ના કુમાર અને પરિવારજનોએ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવા અંગોનું દાન કરવાની તૈયારી દર્શાવી હતી. આ પછી મહિલાનું લીવર બેંગ્લોરની એસ્ટર CMI હોસ્પિટલ મોકલવામાં આવ્યુ હતુ.
જ્યારે એક કિડની એજે હોસ્પિટલ, મેંગલુરુમાં મોકલવામાં આવી હતી અને બીજી કિડની, કોર્નિયા અને ત્વચા કસ્તુરબા હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. પરિવારે કહ્યું હતુ કે અંગદાન એ એક ઉમદા કાર્ય છે અને શિલ્પાએ તેના મૃત્યુમાં પણ મહાન કાર્ય કર્યું છે.
આ સાથે ડો.અવિનાશ શેટ્ટીએ જણાવ્યું હતું કે પીડિતાના અંગોનું દાન કરવાનો પરિવારનો નિર્ણય આ ઉમદા હેતુમાં લોકોની બદલાતી માનસિકતા દર્શાવે છે. આ એક આવકારદાયક પરિવર્તન છે અને ઘણા લોકો દ્વારા તેનું અનુકરણ કરવાની જરૂર છે. ઉડુપી અને દક્ષિણ કન્નડ જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી શરીરમાંથી મેળવેલા અંગોને મણિપાલથી મેંગલુરુ ગ્રીન કોરિડોર દ્વારા હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે જે લોકો અંગદાન કરવા ઈચ્છે છે તેમના પર સર્જરી કરીને તેમના કોઈપણ અંગને કાઢીને જરૂરિયાતમંદ વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયાને અંગદાન કહેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, કિડની, લિવર, ફેફસાં, સ્વાદુપિંડ, અંડાશય, આંખો, હાડકાં અને ત્વચાને બ્રેઈન ડેડ જાહેર કર્યા પછી બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.