ગુજરાત સહિત આખા દેશમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 10 મે, બુધવારના રોજ દેશમાં ભારે ગરમી પડી હતી. બુધવારના રોજ દેશના 10 સૌથી ગરમ શહેરોમાંથી 7 શહેરો ગુજરાતના છે. આવનારા 5 દિવસો સુધી ગરમીમાં આવો જ વધારો જોવા મળશે. 11થી 14 મે વચ્ચે રાજ્યભરમાં 44થી 45 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
10 મેના રોજ ભારતના 10 સૌથી ગરમ શહેરોમાંથી 7 શહેર ગુજરાતના હતા. જેમ કે, પાટણ- 44.6, જૂનાગઢ- 44.2, વલ્લભ વિધાનગર- 44.1, રાજકોટ- 43.9 છોટાઉદેપુર- 43.8, અમરેલી – 42.8, અમદાવાદ – 43.5 ડિગ્રી. ગુજરાતમાં આવનારા સમયમાં ભારે ગરમી પડી શકે છે.
ઉનાળામાં વાતાવરણના ઉપરના સ્તરે હવાના ઊંચા દબાણને કારણે એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાઈ છે. જેને કારણે રણ-સૂકા પ્રદેશના ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ખેંચાઈને બંગાળની ખાડીમાં જતા હોય છે. જેને કારણે ગુજરાતના અલગ અલગ શહેરોમાં તાપમાન વધી રહ્યું છે. 10 મેના રોજ પાટણ દેશમાં પહેલીવાર સૌથી ગરમ શહેર બન્યું હતું.
ઉનાળામાં વિવિધ કલરના એલર્ટ હીટવેવની સ્થિતિને આધારે અપાય છે. ઉનાળામાં ભારતમાં ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રી કે તેથી પણ વધારે પહોંચી જાય છે. જો તાપમાન 45 ડિગ્રી હોય તો તેને હીટવેવ કહે છે અને તેનાથી પણ વધારે હોય તો તેને ગંભીર હીટવેવ કહે છે. સામાન્ય રીતે હીટવેવ ભારતના વિવિધ ભાગોમાં માર્ચથી જૂનની વચ્ચે આવે છે અને ક્યારેક તે જુલાઈ સુધી પણ ચાલી શકે છે.
ઉનાળામાં રેડ એલર્ટની પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હીટવેવ છ દિવસથી પણ વધારે રહે. 45 કે તેથી વધુ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોક અને અન્ય બીમારી થઈ શકે છે. તેથી આવા સમયમાં ખૂબ જ પાણી પીવું અને કોઈ પણ રીતે ગરમી કે સીધા તડકાથી બચવું જોઇએ.
ઓરેન્જ એલર્ટનો અર્થ થાય છે – `હવે સતર્ક રહો’. ઓરેન્જ એલર્ટમાં 43.1થી 45 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. આ પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હીટવેવ બે દિવસથી વધારે ચાલે છે. ઓરેન્જ એલર્ટમાં ખાસ કરીને બપોરના સમયે ઘરબહાર તથા કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
યલો એલર્ટની પરિસ્થિતિ ઉનાળામાં ત્યારે આવે છે જ્યારે હીટવેવ 2 દિવસ માટે વિવિધ વિસ્તારોમાં રહે છે, પરંતુ તાપમાન નિયંત્રણમાં રહે છે. યેલો એલર્ટ એટલે કે શહેરમાં 41.1થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. હીટવેવને અમુક લોકો સહન કરી લે છે, પરંતુ બાળકો, વૃદ્ધો કે બીમાર લોકો માટે તે સમસ્યારૂપ બની શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…