
મોસ્કોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અફઘાનિસ્તાન સુરક્ષા પરિષદમાં ભાગ લીધો હતો,જેમાં બદલાતા પ્રાદેશિક સુરક્ષા પરિમાણો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદના સચિવોની પાંચમી બહુપક્ષીય બેઠકમાં યજમાન દેશ અને ભારત ઉપરાંત ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના સુરક્ષા અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ પરિષદમાં અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ અને માનવતાવાદી પડકારો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, આ પહેલા નવેમ્બર 2021માં પરિષદનો ત્રીજો તબક્કો ડોભાલની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયો હતો.
ડોભાલે કહ્યું કે અફઘાનિસ્તાન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને અફઘાનિસ્તાન સાથે ભારતના ઐતિહાસિક અને વિશેષ સંબંધો છે. તેમણે વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી અને માનવતાવાદી જરૂરિયાતો ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેમની જરૂરિયાતના સમયે અફઘાનિસ્તાનની હંમેશા પડખે ઉભા રહીશુ.
આ ઉપરાંત તેમણે કહ્યું હતુ કે આ ક્ષેત્રમાં આતંકવાદ એક મોટો ખતરો બની ગયો છે.ઇસ્લામિક સ્ટેટ અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સાથે વ્યવહાર કરવા માટે સંબંધિત દેશો અને તેમની એજન્સીઓ વચ્ચે ગુપ્તચર અને સુરક્ષા સહયોગ વધારવાની જરૂર છે. ડોભાલે એમ પણ કહ્યું કે કોઈપણ દેશને આતંકવાદ અને ઉગ્રવાદ ફેલાવવા માટે અફઘાન જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.અફઘાનિસ્તાનના કુદરતી સંસાધનોનો ઉપયોગ પહેલા અફઘાન લોકોના કલ્યાણ માટે થવો જોઈએ.
Published On - 6:58 am, Thu, 9 February 23