NIAએ પહલગામ હુમલાની ઝડપી તપાસ શરૂ કરી, સાક્ષીઓના નિવેદનથી થઈ શકે છે નવા ખુલાસા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ જમ્મુ અને કાશ્મીરના પહલગામની તપાસને તેજ કરી છે. NIA એ ઘટનાસ્થળેથી મળેલા નમૂનાઓ ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે.

NIAએ પહલગામ હુમલાની ઝડપી તપાસ શરૂ કરી, સાક્ષીઓના નિવેદનથી થઈ શકે છે નવા ખુલાસા
| Updated on: Apr 27, 2025 | 8:27 PM

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ જમ્મુ અને કાશ્મીરના પહલગામની તપાસને તેજ કરી છે. NIA એ ઘટનાસ્થળેથી મળેલા નમૂનાઓ ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે. આ સાથે, NIA એ તમામ સાક્ષીઓના નિવેદનો પણ નોંધવાનું શરૂ કરી દીધું છે. NIAના IG, DIG, SP સ્તરના અધિકારીઓ લોકોના નિવેદનો નોંધી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારોના નિવેદનો પણ નોંધવામાં આવશે. માહિતી અનુસાર, તપાસ એજન્સી બેસરન ખીણના પાંચ કિલોમીટરના ભાગમાં હાજર લોકોની લિસ્ટ તૈયાર કરશે અને તેમની પૂછપરછ કરશે. બેસરન ખીણના એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી, ટીમ સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરી રહી છે.

આતંકવાદી મોડ્યુલ, સ્થાનિક નેટવર્કની તપાસ

NIA હુમલામાં સામેલ આતંકવાદી મોડ્યુલ, સ્થાનિક નેટવર્ક અને સંભવિત સ્લીપર સેલની ભૂમિકાની પણ નજીકથી તપાસ કરી રહી છે. આતંકી હુમલા બાદથી NIA ટીમ ઘટના સ્થળે હાજર છે. જેમાં ફોરેન્સિક ટીમ તેમજ ઇન્વેસ્ટીગેટિંગ ટીમનો સમાવેશ થાય છે. આ આતંકવાદી હુમલાની તપાસમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ સહિત અન્ય એજન્સીઓ NIAને મદદ કરશે.

કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓના ઘર ધરાશાયી કરવામાં આવ્યા છે. આતંકવાદીઓના જે જગ્યા પર ઠેકાણા હતા ત્યાં આગળ પણ દરોડા પાડવામાં આવ્યા છે. બીજું કે, આતંકવાદીઓના મદદગારોને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત

22 એપ્રિલે પહલગામના બેસરન મેદાનમાં આતંકવાદીઓએ ભારતીય પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે. આ આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યું છે. ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.

જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.