Immigration Rules Change : ભારતમાં 180 દિવસથી વધુ સમય રોકાનાર વિદેશી લોકો માટે બદલાયા નિયમ, જાણી લો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે "ઇમિગ્રેશન અને વિદેશીઓ (સુધારા) નિયમો, 2026" જાહેર કર્યા છે. આ નવા નિયમો હેઠળ ભારતમાં લાંબા સમય સુધી રહેવા ઇચ્છતા વિદેશી નાગરિકો માટે નોંધણી સંબંધિત જોગવાઈઓમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.  

Immigration Rules Change : ભારતમાં 180 દિવસથી વધુ સમય રોકાનાર વિદેશી લોકો માટે બદલાયા નિયમ, જાણી લો
| Updated on: Jun 02, 2026 | 4:52 PM

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે “ઇમિગ્રેશન અને વિદેશીઓ (સુધારા) નિયમો, 2026” જાહેર કર્યા છે. આ નવા નિયમો હેઠળ ભારતમાં લાંબા સમય સુધી રહેવા ઇચ્છતા વિદેશી નાગરિકો માટે નોંધણી સંબંધિત જોગવાઈઓમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ સુધારા “ઇમિગ્રેશન અને વિદેશીઓ નિયમો, 2025” અંતર્ગત અમલમાં આવશે.

14 દિવસની અંદર નોંધણી કરાવવાની રહેતી હતી

નવા નિયમો અનુસાર, 180 દિવસ કે તેથી ઓછી મુદતના વિઝા પર ભારતમાં આવેલા વિદેશી નાગરિકો જો 180 દિવસથી વધુ સમય સુધી દેશમાં રહેવા માંગતા હોય, તો તેમને 180 દિવસની મુદત પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ સમયે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. અગાઉના નિયમ મુજબ આવા વિદેશીઓએ ભારતમાં આગમન બાદ 180 દિવસ પૂર્ણ થયા પછીના 14 દિવસની અંદર નોંધણી કરાવવાની રહેતી હતી.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી અને સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત સૂચના અનુસાર, નિયમ 12માં ફેરફાર કરીને નોંધણી માટેની સમયમર્યાદાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. હવે વિદેશી નાગરિકો માટે 180 દિવસની મુદત પૂર્ણ થવાની રાહ જોવાની જરૂર રહેશે નહીં, પરંતુ તેઓ તે પહેલાં જ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં નોંધણી કરાવવાની રહેશે

આ ઉપરાંત, 180 દિવસથી વધુ સમયગાળાના વિઝા ધરાવતા અને જેમના વિઝામાં એક વખતના રોકાણ માટે 180 દિવસની મર્યાદા નક્કી કરવામાં આવી હોય તેવા વિદેશીઓએ પણ આ સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં નોંધણી કરાવવાની રહેશે. નવા નિયમો મુજબ, નોંધણીમાં છૂટછાટ માત્ર કટોકટીની પરિસ્થિતિઓમાં જ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે કેટલાક ખાસ કિસ્સાઓમાં બાળકોને પણ રાહત આપી છે. અગાઉના નિયમો મુજબ, જો બાળકના માતા-પિતામાંથી એક અથવા બંને વિદેશી નાગરિક હોય, તો બાળકના જન્મ બાદ 30 દિવસની અંદર ઓનલાઈન પોર્ટલ અથવા મોબાઇલ એપ્લિકેશન મારફતે નોંધણી અધિકારીને માહિતી આપવી ફરજિયાત હતી. ત્યારબાદ બાળક માટે નવા વિઝા અને અન્ય જરૂરી સેવાઓ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાતી હતી.

જોકે, નવા સુધારા હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો માતા અથવા પિતામાંથી એક ભારતીય નાગરિક હોય અને તેઓ બાળકની ભારતીય નાગરિકતા જાળવી રાખવા માંગતા હોય, તો આ નોંધણી સંબંધિત નિયમ તેમના પર લાગુ પડશે નહીં.

કેન્દ્ર સરકારના આ નવા નિયમોનો હેતુ વિદેશી નાગરિકોની નોંધણી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બનાવવાનો છે. સાથે જ, ભારતીય નાગરિક સાથે સંકળાયેલા પરિવારજનોને જરૂરી રાહત આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

ધીરુભાઈ અંબાણીના દાયકાઓ પહેલા, આ ગુજરાતી હતા ‘ઓઇલ કિંગ’, તમે નહીં જાણતા હોવ નામ

Follow Us