મધ્યપ્રદેશના નવા સીએમ પાસે છે 42 કરોડની સંપતિ, તો માથે છે 9 કરોડનું દેવું

મોહન યાદવે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની સંપત્તિની વિગતો આપી હતી. જે મુજબ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી પાસે 1.41 લાખ રૂપિયાની રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે 3.38 લાખ રૂપિયાની રોકડ છે.

મધ્યપ્રદેશના નવા સીએમ પાસે છે 42 કરોડની સંપતિ, તો માથે છે 9 કરોડનું દેવું
Mohan Yadav
| Edited By: | Updated on: Dec 12, 2023 | 7:38 PM

છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશને પણ નવા મુખ્યમંત્રી મળ્યા છે. ઉજ્જૈન દક્ષિણના ભાજપના ધારાસભ્ય ડૉ. મોહન યાદવ નવા સીએમ બનશે. બીએસસી, એલએલબી અને પીએચડીની ડિગ્રી મેળવનાર મોહન યાદવ શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. નેટવર્થની વાત કરીએ તો તેમની પાસે કરોડોની સંપત્તિ છે. તેમણે વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

રાજ્યના સૌથી અમીર નેતાઓમાં તેમની ગણતરી

મધ્યપ્રદેશના નવા સીએમ પાસે કુલ 42 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે તેમના પર દેણાની વાત કરીએ તો તે લગભગ 9 કરોડ રૂપિયા છે. એમપીના નવા મુખ્યમંત્રી મોહન યાદવની ગણના રાજ્યના અમીર નેતાઓમાં થાય છે, આ પહેલા મધ્યપ્રદેશમાં 2018ની વિધાનસભા ચૂંટણી માટે સૌથી વધુ સંપત્તિ જાહેર કરનારા એમપીના ટોપ-3 મંત્રીઓમાં ભૂપેન્દ્ર સિંહ પ્રથમ સ્થાને હતા અને મોહન યાદવ બીજા સ્થાને હતા.

મોહન યાદવ પાસે છે આટલી સંપત્તિ

મોહન યાદવે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની સંપત્તિની વિગતો આપી હતી. જે મુજબ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી પાસે 1.41 લાખ રૂપિયાની રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે 3.38 લાખ રૂપિયાની રોકડ છે. બેંકોમાં જમા રકમ વિશે વાત કરીએ તો, તેમની અને તેમની પત્નીના અલગ-અલગ બેંકોના ખાતાઓમાં 28,68,044.97 રૂપિયા જમા છે.

 

શેર-બોન્ડ્સમાં મોટું રોકાણ

પીએચડીની ડિગ્રી ધરાવતા મધ્યપ્રદેશના નવા ચૂંટાયેલા સીએમ રોકાણમાં રસ ધરાવે છે. ચૂંટણી એફિડેવિટ મુજબ, તેમણે તેમની પત્ની સાથે મળીને અનેક કંપનીઓના શેર, ડિબેન્ચર અને બોન્ડમાં રૂ. 6,42,71,317નું રોકાણ કર્યું છે. તેમણે બચત ખાતામાં પણ પૈસા જમા કરાવ્યા છે. મળતી માહિતી મુજબ મોહન યાદવ પાસે બજાજ એલાયન્સમાં લગભગ 3 લાખ રૂપિયાની પોલિસી છે. જ્યારે તેમની પત્નીના નામે રિલાયન્સ નિપ્પોન, બજાજ આલિયાન્ઝમાં રૂ. 9 લાખથી વધુની વીમા પોલિસી છે.

8 લાખની કિંમતનું સોનું, કાર અને હથિયારો પણ છે

મોહન યાદવ પાસે રહેલા દાગીનાની માહિતી એફિડેવિટમાં આપવામાં આવી છે. આ હિસાબે તેમની પાસે લગભગ 140 ગ્રામ સોનું છે, જેની બજાર કિંમત અંદાજે 8 લાખ રૂપિયા છે. તેમની પત્ની પાસે 250 ગ્રામ સોનાના દાગીના અને 1.2 કિલો ચાંદી છે, જેની કિંમત અંદાજે 15.78 લાખ રૂપિયા છે. આ સિવાય એમપી નવા સીએમ પાસે 22 લાખ રૂપિયાની ઈનોવા કાર અને 72,000 રૂપિયાની કિંમતનું સુઝુકી સ્કૂટર છે. હથિયારોની વાત કરીએ તો તેમની પાસે 80 હજાર રૂપિયાની રિવોલ્વર અને 8 હજાર રૂપિયાની 12 બોરની બંદૂક પણ છે.

નવા મુખ્યમંત્રી પાસે કરોડોની જમીન છે

ચૂંટણી એફિડેવિટ મુજબ ડૉ.મોહન યાદવ અને તેમની પત્ની કરોડોની કિંમતની જમીનના માલિક છે. તેમની પાસે લગભગ 15 કરોડ રૂપિયાની ખેતીની જમીન છે. આ સિવાય મોહન યાદવના નામે ઉજ્જૈનમાં એક પ્લોટ છે જેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. જ્યારે તેમની પત્નીના નામે લગભગ 6 કરોડ રૂપિયાની બે બિનખેતી જમીન છે. આ સિવાય પતિ-પત્નીના નામે 6 કરોડ રૂપિયાથી વધુની કિંમતના મકાનો અને ફ્લેટ છે.

Published On - 5:24 pm, Mon, 11 December 23