Breaking News : વર્ષના પહેલા જ દિવસે હિમાચલ પ્રદેશમાં મોટો ધમાકો, શક્તિશાળી વિસ્ફોટની લોકોમાં ગભરાટ

નવા વર્ષના પ્રથમ દિવસે હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢમાં મોટો વિસ્ફોટ થયો. શક્તિશાળી ધમાકાથી આસપાસની ઇમારતોની બારીઓ તૂટી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Breaking News : વર્ષના પહેલા જ દિવસે હિમાચલ પ્રદેશમાં મોટો ધમાકો, શક્તિશાળી વિસ્ફોટની લોકોમાં ગભરાટ
| Updated on: Jan 01, 2026 | 5:11 PM

વર્ષના પ્રથમ જ દિવસે હિમાચલ પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલન જિલ્લાના નાલાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને ચિંતામાં મૂકી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્ફોટ નાલાગઢ પોલીસ સ્ટેશન નજીક આવેલી એક શેરીમાં થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 400થી 500 મીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટના કારણે આસપાસની અનેક ઇમારતોની બારીઓ તૂટી ગઈ હતી.

હોસ્પિટલની ઘણી બારીઓ તૂટી

આ ઘટનામાં નજીક આવેલી આર્મી હોસ્પિટલને પણ નુકસાન થયું છે. હોસ્પિટલની ઘણી બારીઓ તૂટી ગઈ હતી અને કાચ રસ્તા પર પડી ગયો હતો. જોકે રાહતની વાત એ છે કે આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ મોટું સંપત્તિ નુકસાન નોંધાયું નથી.

વિસ્ફોટની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. પુરાવા નાશ ન થાય તે માટે નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.

વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ

ઘટનાની ગંભીરતા જોતા, બદ્દી જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) વિનોદ ધીમન અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. વિસ્ફોટ કેવી રીતે થયો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને જલ્દી જ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.

નવરાત્રીમાં GST ધટાડ્યો, ડિસેમ્બરમાં સરકારની તિજોરી છલકાઈ, જાણો આંકડા

Published On - 5:06 pm, Thu, 1 January 26