Miss World : છેલ્લે સુધી જીત મેળવતી ગઈ ભારતની નંદિની ગુપ્તા, અંતમાં મિસ વર્લ્ડ બનવાનું સપનું તૂટયું, જુઓ Video

મિસ ઈન્ડિયા 2023, નંદિની ગુપ્તા, મિસ વર્લ્ડ 2025ની સ્પર્ધામાં ટોપ 20માં પહોંચી હતી, પરંતુ એશિયા ખંડમાંથી ટોપ 2માં સ્થાન ન મળતાં તે સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.

Miss World : છેલ્લે સુધી જીત મેળવતી ગઈ ભારતની નંદિની ગુપ્તા, અંતમાં મિસ વર્લ્ડ બનવાનું સપનું તૂટયું, જુઓ Video
| Updated on: May 31, 2025 | 9:28 PM

રાજસ્થાનના કોટાની રહેવાસી અને મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીતનાર નંદિની ગુપ્તા હવે મિસ વર્લ્ડ 2025ની દોડમાંથી બહાર થઈ ગઈ છે. નંદિનીએ આ સ્પર્ધામાં ટોચના 20 સ્પર્ધકોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું, પરંતુ એશિયા ખંડમાંથી ટોચના 2 સ્પર્ધકોમાં સ્થાન ન મળવાને કારણે તેનું મિસ વર્લ્ડ બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે.

એશિયાના ટોચના 5માં સ્થાન છતાં અંતિમ પડાવ સુધી નહીં પહોંચી શકી

સ્પર્ધામાં દરેક ખંડમાંથી ટોચના 5 સ્પર્ધકોને પસંદ કરીને ટોપ 20 સ્પર્ધકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. નંદિની એશિયા ખંડના ટોચના 5 સ્પર્ધકોમાં પસંદ કરવામાં આવી હતી, પરંતુ તે ટોચના 2 સુધી પહોંચી શકી ન હતી. પરિણામે, નંદિની મિસ વર્લ્ડના વધુ રાઉન્ડ માટે ક્વોલિફાય ન કરી શકી અને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ.

ભારતના લોકોને નંદિની પર ગર્વ

મિસ ઈન્ડિયા બન્યા બાદ નંદિની ગુપ્તા સતત ચર્ચામાં રહી હતી. દરેક ભારતીય નાગરિકની નજર નંદિની પર હતી અને દરેકને આશા હતી કે મિસ વર્લ્ડ 2025નો ખિતાબ ભારત લાવી શકે. જોકે ટોપ 20માં પહોંચ્યા બાદ નંદિનીની સફર અહીં પૂરી થઈ અને સાથે દેશવાસીઓના સપનાઓને પણ ઝટકો લાગ્યો.

ભારતના મિસ વર્લ્ડ વિજેતાઓની યાદી

ભારતે અત્યાર સુધીમાં 6 વખત મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. 1966માં રીટા ફારિયાએ સૌપ્રથમ વખત ભારત માટે આ ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 1994માં ઐશ્વર્યા રાય, 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખી, 2000માં પ્રિયંકા ચોપરા અને 2017માં માનુષી છિલ્લરે આ તાજ પોતાના નામે કર્યો હતો.

નંદિની ગુપ્તાનો અભ્યાસ 

નંદિની ગુપ્તા માત્ર 21 વર્ષની છે. તેણીએ સિનિયર સેકન્ડરી સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ રાજસ્થાનની લાલા લાજપત સ્ટેટ કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તે મિસ રાજસ્થાન રહી ચૂકી છે અને 2023માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેણીના પિતા સુમિત ગુપ્તા એક ઉદ્યોગપતિ છે. નંદિનીનો આ સફર જો કે મિસ વર્લ્ડ સુધી પહોંચી નથી, પરંતુ તેણે પોતાનું ખાસ સ્થાન બનાવી દીધું છે.

Published On - 9:27 pm, Sat, 31 May 25