મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, આગામી 24 જૂને રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આગામી શનિવારે બપોરે 3 કલાકે સર્વપક્ષીય બેઠક યોજાશે. તો બીજી બાજુ કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે એક વીડિયો જાહેર કરીને મણિપુરના રહેવાસીઓને શાંતિ પુનઃસ્થાપિત કરવા અપિલ કરી છે. તો બીજી બાજુ આ પહેલા આજે બુધવારે મણિપુરના ક્વાકાટા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 3 નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં સર્વપક્ષીય બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.
આ અગાઉ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, આજે ગૃહમંત્રી અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. મણિપુર રાજ્યમાં ફેલાયેલી વંશીય હિંસા અને તેના કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ પર અમિત શાહ અને હિમંતા બિસ્વા સરમા વચ્ચે ચર્ચા થઈ હોવાની સંભાવના છે. મણિપુરના મેઈતેઈ જૂથના બે ડઝનથી વધુ ધારાસભ્યો છેલ્લા 4 દિવસથી દિલ્હીમાં પડ્યા પાથર્યા છે.
Union Home Minister Amit Shah calls an all-party meeting on 24th June in New Delhi to discuss the situation in Manipur: Ministry of Home Affairs (MHA)
(File photo) pic.twitter.com/NyTd2qpfmT
— ANI (@ANI) June 21, 2023
મણિપુરમાં હિંસા એટલી હદે વધી ગઈ છે કે તાજેતરમાં જ હિંસા પર ઉતરી આવેલા એક ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજનનું ઘર પેટ્રોલ બોંબ નાખીને સળગાવી દીધું હતું. શાંતિ પુનઃસ્થાપિત કરવાના અનેક પ્રયાસો થયા છે, પરંતુ સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. ઉલટાની સ્થિતિ વધુ કથળી રહી છે. મણિપુર રાજ્યમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોની 84 કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. આસામ રાઇફલ્સના 10,000 થી વધુ જવાનો પણ મણિપુરના સંવેદનશીલ વિસ્તારમાં તહેનાત છે. પરંતુ ભારે સૈન્ય દળો રસ્તાઓ પર ફજ બજાવતા હોવા છતાં પણ મણિપુરમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. જેને લઈને સૌ કોઈ ચિતીત છે.