મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી (MVA) સરકારની પાર્ટીઓ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે વિધાન પરીષદની ચૂંટણીમાં (Vidhan Parishad Election 2022) બે-બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપે પાંચ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં અપક્ષો અને નાના પક્ષોની ભૂમિકા નિર્ણાયક માનવામાં આવી હતી કારણ કે, મહાવિકાસ અઘાડી તેના તમામ છ ઉમેદવારોની જીતને લઈને પડકારનો સામનો કરી રહી હતી. વિધાન પરિષદના નવ સભ્યોનો કાર્યકાળ 7 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. જ્યારે, આ વર્ષની શરૂઆતમાં ભાજપના એક સભ્યના મૃત્યુને કારણે, 10 મી બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના પાંચેય ઉમેદવારોનો વિજય થયો છે.
બીજી તરફ મહા વિકાસ અઘાડીના પાંચ ઉમેદવારોની જીત નિશ્ચિત હતી, પરંતુ આઘાડીના ત્રણ પક્ષોએ (શિવસેના-2, NCP-2 અને કોંગ્રેસ-2) મળીને 6 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેના કારણે દસમી બેઠક માટેની સ્પર્ધા રસપ્રદ બની હતી. આ દસમી બેઠક માટે ભાજપના ઉમેદવાર પ્રસાદ લાડે કોંગ્રેસના ભાઈ જગતાપને હરાવ્યા છે.
ભાજપના પાંચ ઉમેદવારો ઉપરાંત શિવસેનાના બે ઉમેદવારો અને એનસીપીના બે ઉમેદવારો પણ વિધાન પરિષદમાં ચૂંટાયા છે. પરંતુ કોંગ્રેસના બે ઉમેદવારોમાંથી માત્ર એક જ વિધાન પરિષદમાં પહોંચી શક્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર, મહા વિકાસ આઘાડીના લગભગ 21 ધારાસભ્યો તૂટી ગયા અને ભાજપના પાંચમા ઉમેદવાર પ્રસાદ લાડે દસમી બેઠક પર કબજો જમાવ્યો. કોંગ્રેસના ચંદ્રકાંત હંડોરને હારનો સામનો કરવો પડ્યો છે.
વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાના બંને ઉમેદવારો સલામત સ્થિતિમાં હતા. શિવસેના પાસે પોતાના 55 વોટ હતા. પરંતુ શિવસેનાના બંને ઉમેદવારોને તેમની પાર્ટીના 52 વોટ મળ્યા હતા. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શિવસેનાના 3 વોટ ગયા ક્યાં? એનસીપીના ઉમેદવારોને અપેક્ષા કરતા 6 મત વધુ મળ્યાના સમાચાર છે. એટલે કે સાથી પક્ષોના મત કોંગ્રેસને મળ્યા નથી.
ચૂંટણી પહેલા શિવસેનાના ધારાસભ્યો તરફથી એવા સમાચાર આવી રહ્યા હતા કે કોંગ્રેસે રાજ્યસભામાં શિવસેનાને સમર્થન નથી આપ્યું તો પછી વિધાન પરિષદમાં કોંગ્રેસને શા માટે સમર્થન આપવું? NCPને ટેકો આપતા કેટલાક અપક્ષ ધારાસભ્યોનું નિવેદન આવ્યું હતું કે તેઓ NCPને અજિત પવાર માટે મત આપશે, અન્ય કોઈને નહીં. એટલે કે સાથી પક્ષોના મત કોંગ્રેસને મળશે કે કેમ તેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ સંજય રાઉત વારંવાર આ વાતને નકારી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે મહા વિકાસ અઘાડી એક યુનિટની જેમ કામ કરી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અને મંત્રી અસલમ શેખે પણ કહ્યું હતું કે મીડિયા આ રીતે મતભેદોના સમાચાર ફેલાવે છે. પરંતુ ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે આઘાડીની ગાડીમાં જ પંચર છે.
Published On - 9:47 pm, Mon, 20 June 22