કેરળ (Kerala)માં ભારે વરસાદ (Heavy Rain)ને કારણે તબાહી મચી છે. રાજ્યના બે જિલ્લામાં ભૂસ્ખલન અને વિનાશક પૂરના લીધે મૃત્યુઆંક વધીને 21 થયો છે. રાહત અને બચાવ ટીમોએ રવિવારે કાટમાળમાંથી અનેક મૃતદેહો બહાર કાઢ્યા છે. રાજ્યના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું કે બચાવ કાર્યકરોએ ઈડુક્કી અને કોટ્ટયમ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનના કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા મૃત્યુ પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું, આ દુ:ખદ છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે કેન્દ્ર ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત કેરળના લોકોને તમામ શક્ય મદદ કરશે.
તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, સરકાર ભારે વરસાદ અને પૂરને જોતા કેરળના કેટલાક ભાગોની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને તમામ શક્ય મદદ કરશે. બચાવ કામગીરીમાં મદદ માટે NDRFની ટીમ પહેલેથી જ મોકલવામાં આવી છે. દરેકની સલામતી માટે પ્રાર્થના.
અહીં, ઈડુક્કી જિલ્લા કલેક્ટર શીબા જ્યોર્જે જણાવ્યું હતું કે ઈડુક્કી જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં કોક્કયારમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. પાંચ ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સઘન બચાવ પ્રયાસો બાદ કાદવમાં દટાયેલા ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બાળકો એકબીજાને પકડેલા જોવા મળ્યા છે. કેરળમાં વિપક્ષના નેતા વી ડી સતીસને નેકોક્કયાર અને કુટ્ટીકલની મુલાકાત લીધી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં સમયસર બચાવ કામગીરી શરૂ કરવામાં નિષ્ફળ રહી છે.
It is saddening that some people have lost their lives due to heavy rains and landslides in Kerala. Condolences to the bereaved families.
— Narendra Modi (@narendramodi) October 17, 2021
આ વિસ્તારમાં સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), પોલીસ અને ફાયર ફોર્સની સાથે સાથે સ્થાનિક લોકોએ પણ રવિવારે સવારે કુટ્ટીક્કલ અને કોક્કાયાર પંચાયત વિસ્તારોમાં બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યાં શનિવારથી ભારે વરસાદની સાથે અનેક ભૂસ્ખલનને કારણે 12થી વધુ લોકો ગુમ છે. બચાવ પ્રયાસોનું સંકલન કરવા માટે કોટ્ટયમમાં હાજર રહેલા રાજ્યના મહેસૂલ મંત્રી કે. રાજને કહ્યું કે સરકારી એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે શું કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા છે.
કોચીમાં નૌકાદળનું હેલિકોપ્ટર પહેલેથી જ રાહત સામગ્રી સાથે વરસાદ પ્રભાવિત વિસ્તારો માટે રવાના થયું છે. વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટર આવી ગયા છે અને એક હેલિકોપ્ટર તિરુવનંતપુરમમાં તૈયાર રાખવામાં આવ્યું છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝે જણાવ્યું હતું કે ઉત્તર કેરળ-કર્ણાટક દરિયાકાંઠે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રને અડીને દક્ષિણ-પૂર્વમાં લો પ્રેશર એરિયા બન્યું છે અને તેઓએ આગામી 24 કલાકમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
મુખ્યમંત્રી પિનરાયી વિજયને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત શિબિરો ખોલવામાં આવી છે. તેમણે સંબંધિત અધિકારીઓને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો કે કેમ્પમાં COVID-19 સંબંધિત આરોગ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.
મંત્રી રાજને જણાવ્યું છે કે વિસ્તાર તરફ જતા રસ્તાઓ નાશ પામ્યા છે. ભારે મુશ્કેલીથી પંચાયત પ્રમુખ અને ગામના અધિકારીઓ રાતે પોતાની રીતે જ ત્યાં પહોંચ્યા. એનડીઆરએફએ સવારે પઠાનમથિટ્ટા જિલ્લામાં પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા આશરે 80 લોકોને બચાવ્યા. NDRFએ રાજ્યમાં 11 ટીમોને શોધ, બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત કરી છે.
આ પણ વાંચો : Chardham Yatra 2021: ચારધામ યાત્રા પર કામચલાઉ પ્રતિબંધ, ઉત્તરાખંડના મુખ્યપ્રધાને મુસાફરોને કરી આ અપીલ
Published On - 6:47 pm, Sun, 17 October 21