કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી થોડા દિવસ પહેલા લંડનમાં આપેલા નિવેદનને લઈ હંગામો ચાલી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી સતત શાબ્દિક હુમલા કરવામાં આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મોર્ચો સંભાળ્યો અને કહ્યું કે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર દેશનું અપમાન કરી રહ્યા છે. અમે દેશ-વિરોધી શક્તિઓને સફળ નહીં થવા દઈએ.
જેપી નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ પર હુમલો કરતા કહ્યું કે ‘દુર્ભાગ્યની વાત એ છે કે દેશ વિરોધી ગતિવિધિઓમાં કોંગ્રેસ પાર્ટી સામેલ થઈ ગઈ છે. જનતા દ્વારા નકારી દીધા બાદ પણ રાહુલ ગાંધી પણ આ દેશ વિરોધી ટૂલકિટના એક સ્થાયી હિસ્સો બની ગયા છે.’
આ પણ વાંચો: Zojila Pass Tunnel: BROએ 68 દિવસ બાદ ખોલ્યો ઝોજિલા પાસ, ગુરેઝ અને કાશ્મીર ઘાટી વચ્ચે સંપર્ક પુનઃસ્થાપિત
વિદેશી ધરતી પર દેશનું અપમાન કરવાનો આરોપ લગાવતા જેપી નડ્ડાએ કહ્યું ‘એક તરફ આજે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યું છે અને દેશમાં જી-20ની બેઠકો થઈ રહી છે, જ્યારે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર દેશ અને સંસદનું અપમાન કરી રહ્યા છે. હું રાહુલ ગાંધી પાસેથી જાણવા માંગુ છુ કે તેની પાછળ તેમનો શું ઈરાદો છે.’
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જેપી નડ્ડાએ કહ્યું કે “કોઈપણ દેશ દ્વારા ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવી એ ભારતની સાર્વભૌમત્વ પર હુમલો છે. હું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસેથી જાણવા માંગુ છું કે યુરોપ અને અમેરિકાને ભારતના મામલામાં હસ્તક્ષેપ કરવા માટે ઉશ્કેરવા પાછળ તેમનો શું ઈરાદો છે? તમારે આ માટે માફી માંગવી પડશે.”
કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને કિરણ રિજિજૂ તરફથી છેલ્લા 3 દિવસથી રાહુલ ગાંધીના નિવેદન પર હુમલો કર્યા બાદ આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ નેતાને પોતાનું નિશાન બનાવ્યા. તેમને રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે રાહુલ ગાંધી, ભારત લોકતંત્રની જનની છે. દુનિયાની કોઈ તાકાત ભારતની લોકશાહી પરંપરાને નુકસાન ના પહોંચાડી શકે. આજની તારીખમાં દેશમાં તમારી પાર્ટીનું કોઈ સાંભળતુ નથી, જનતા પણ તમારો વિશ્વાસ કરતી નથી.