‘તું કાળી છે…’ કહીને ટોણા મારતા પતિ સામે પત્નીએ કરી ફરિયાદ, હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

ઝારખંડ હાઈકોર્ટે IPC કલમ 498A હેઠળ ક્રૂરતા અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પત્નીના કાળા રંગ, ઓછું બુદ્ધિ સ્તર કે નબળી વાતચીતની ક્ષમતાના ટોણા જેવા આક્ષેપો પર કોર્ટે મોટી વાત કહી છે.

‘તું કાળી છે... કહીને ટોણા મારતા પતિ સામે પત્નીએ કરી ફરિયાદ, હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
| Updated on: Aug 25, 2026 | 7:58 PM

પત્નીના રંગ, સ્વભાવ કે વાતચીત કરવાની રીતને લઈને વારંવાર ટોણા મારવા બદલ પતિ સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે કે નહીં? આ સવાલ સાથે જોડાયેલા એક કેસમાં ઝારખંડ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પત્નીનો કાળો રંગ, ઓછું બુદ્ધિ સ્તર અથવા નબળી વાતચીત કરવાની ક્ષમતા જેવા આક્ષેપો માત્રના આધારે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A હેઠળ ફોજદારી ક્રૂરતાનો કેસ બની જતો નથી.

પતિ તેના રંગને લઈને વારંવાર તેને ટોણા મારતો હતો

આ કેસમાં દંપતીએ એક ઓનલાઈન મેટ્રિમોનિયલ વેબસાઇટ મારફતે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે મતભેદ અને ઝઘડા શરૂ થઈ ગયા હતા. પત્નીનો આરોપ હતો કે તેનો પતિ તેના રંગને લઈને વારંવાર તેને ટોણા મારતો હતો. આ ઉપરાંત, તે તેના શરમાળ સ્વભાવ, સમજણના અભાવ અને બોલવાની રીતને લઈને પણ અપમાનજનક ટિપ્પણીઓ કરતો હતો.

પત્નીના જણાવ્યા મુજબ, પતિ તેને કહેતો હતો કે તેના કારણે તે મુશ્કેલીમાં મુકાયો છે અને આ સંબંધથી તે પરેશાન છે. ત્યારબાદ તેણે પત્નીને ઘર છોડીને જવા માટે કહ્યું હતું. પતિની વાત બાદ પત્ની પહેલા બેંગલુરુમાં પોતાની નાની બહેન સાથે રહેવા ગઈ હતી અને બાદમાં કોલકાતામાં મોટી બહેનના ઘરે રહેવા લાગી હતી.

આ દરમિયાન પતિએ રાંચીની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. બીજી તરફ, પત્નીએ પતિ વિરુદ્ધ IPCની કલમ 498A અને સ્ત્રીધન સાથે સંબંધિત જોગવાઈઓ હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.

11 જૂન, 2024ના રોજ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પતિને સમન્સ પાઠવી કાર્યવાહી શરૂ કરી હતી. આ નિર્ણયને પતિએ ઝારખંડ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

હાઈકોર્ટેશું કહ્યું ? જાણો

આ અરજી નંબર 484/2025 પર સુનાવણી દરમિયાન જસ્ટિસ અનિલ કુમાર ચૌધરીની બેન્ચે સમગ્ર મામલાની તપાસ કરી. હાઈકોર્ટે નોંધ્યું કે ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આરોપોને સાચા માની લેવામાં આવે તો પણ, રજૂ કરાયેલા તથ્યો IPCની કલમ 498A હેઠળ ફોજદારી ક્રૂરતાનો ગુનો રચતા નથી.

કોર્ટે આ આધારે રાંચી કોર્ટ દ્વારા પતિ વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા સમન્સ અને ત્યારબાદની કાર્યવાહી રદ કરી દીધી હતી.

આ ચુકાદાનો અર્થ એ નથી કે પતિ અથવા પત્ની દ્વારા એકબીજાનું અપમાન કરવું યોગ્ય છે. વૈવાહિક સંબંધમાં પરસ્પર સન્માન ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ કોઈ ચોક્કસ વર્તન IPCની કલમ 498A હેઠળ ‘ક્રૂરતા’ની કાનૂની વ્યાખ્યામાં આવે છે કે નહીં, તે નક્કી કરવા માટે કોર્ટ તથ્યો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લે છે.

આ કેસમાં હાઈકોર્ટે માત્ર રંગ, બુદ્ધિ અથવા વાતચીતની ક્ષમતા અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓને આધારે 498A હેઠળ ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવા યોગ્ય ન હોવાનું માન્યું અને પતિને રાહત આપી.

601 લિટર કેમિકલ, 9,400 ખાલી બોટલો… કચ્છના આદિપુરના ગોડાઉનમાં એવું શું મળ્યું કે પોલીસ પણ ચોંકી ગઈ?

Follow Us
Loading...
Unable to load recommendations.