જમ્મુના નરવાલ વિસ્તારમાં આજે એટલે કે શનિવારે સવારે 2 વિસ્ફોટ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. અધિક પોલીસ મહાનિર્દેશક (જમ્મુ) મુકેશ સિંહે જણાવ્યું કે, વિસ્ફોટ જમ્મુ શહેરના નરવાલ વિસ્તારમાં થયા હતા. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને બ્લાસ્ટ ભીડભાડવાળી જગ્યાએ થયા હતા.
#WATCH | J&K: Six people injured in two blasts that occurred in Narwal area of Jammu. Visuals from the spot. Police personnel are present at the spot. pic.twitter.com/eTZ1exaICG
— ANI (@ANI) January 21, 2023
પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકવાદીઓ ઘાટીમાં આતંક મચાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર બ્લાસ્ટ થયા છે. નરવાલ વિસ્તારમાં એક પછી એક બે બ્લાસ્ટ થયા છે. આ વિસ્ફોટોમાં લગભગ 6 લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. વિસ્ફોટો બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને મોટું સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં પૂર્વ ધારાસભ્યના ઘરે પણ વિસ્ફોટના સમાચાર મળ્યા હતા. સુરનકોટના ભૂતપૂર્વ ધારાસભ્ય ચૌધરી મોહમ્મદ અકરમે જણાવ્યું હતું કે આ ઘટના શુક્રવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ લસાના ગામમાં બની હતી અને તેમના ઘરના કેટલાક રૂમની છત પરથી શ્રાપનલ પસાર થતાં તેમના પરિવારનો બચી ગયો હતો.
જમ્મુમાં અકરમે કહ્યું, ઘટના સમયે હું ઘરે ન હતો. પાછળથી, મને ખબર પડી કે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના પછી ગોળીબાર થયો હતો. ઘટના બાદ તરત જ પોલીસ અને સેનાના અધિકારીઓ મારા ઘરે આવ્યા અને તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે. અકરમે ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ પછીથી આઝાદની ડેમોક્રેટિક આઝાદ પાર્ટીથી દૂર થઈ ગયા હતા. તેમણે આ વિસ્ફોટની સંપૂર્ણ તપાસની માંગણી કરી હતી.
Published On - 12:10 pm, Sat, 21 January 23