Jammu Kashmir: નિર્દોષ લોકોને આતંકીઓએ નિશાન બનાવ્યા, ટીવી એક્ટ્રેસની ગોળી મારી હત્યા, 10 વર્ષનો ભત્રીજો ઘાયલ

|

May 25, 2022 | 10:28 PM

બુધવારે જ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની NIA કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. આ સાથે આતંકી હુમલાનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે શ્રીનગરના માયસુમા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે. 

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં બુધવારે ફરી આતંકી (Terrorists)ઓએ નાગરિકો પર હુમલો કર્યો. બડગામના ચદૂરા વિસ્તારમાં આતંકવાદીઓએ એક મકાન પર હુમલો કર્યો. જેમાં એક મહિલાનું મોત થયું છે. તેમજ તેનો 10 વર્ષનો ભત્રીજો ઘાયલ થયો છે. હુમલામાં જીવ ગુમાવનાર મહિલા કાશ્મીરી ટીવી અભિનેત્રી હોવાનું કહેવાય છે. ઘટના બાદ આ વિસ્તારમાં ભયનો માહોલ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ હુમલાની માહિતી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ આ હુમલો સાંજે લગભગ 7.55 કલાકે કર્યો હતો. આતંકીઓએ ઘર પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા. આ હુમલામાં અમરીન ભટ્ટ નામની કાશ્મીરી ટીવી અભિનેત્રી ઘાયલ થઈ હતી. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પોલીસે માહિતી આપી છે કે હુમલામાં ટીવી એક્ટ્રેસના 10 વર્ષના ભત્રીજાને પણ ગોળી વાગી છે. તેના હાથ પર ઈજા છે. તેને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ત્રણ આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ત્રણેય લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હોવાની આશંકા છે. પોલીસે કહ્યું છે કે હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે સાથે જ સર્ચ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે માહિતી આપી છે કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

જણાવી દઈએ કે બુધવારે જ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની NIA કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. આ સાથે આતંકી હુમલાનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે શ્રીનગરના માયસુમા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે.

Published On - 10:24 pm, Wed, 25 May 22

Next Video