દસ વર્ષ જૂના શીના બોરા મર્ડર કેસમાં ગઈકાલ ગુરુવારે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સીબીઆઈએ મુંબઈની કોર્ટમાં આ અંગેની તથ્યો સાથેની નક્કર હકીકતો રજૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે શીના બોરા કાશ્મીરમાં જોવા મળી હોવાનો દાવો કરાયો હતો. એક મહિલાએ શીના બોરાને જોઈ હોવાનો દાવો કર્યો હતો. આ મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેણે શીના બોરાને સવારે સાડા છ વાગ્યે જોઈ હતી.
સીબીઆઈએ આ અંગે કોર્ટમાં સ્પષ્ટતા કરી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દાવો કર્યો હતો કે, એજન્સી પાસે શીના બોરાનું મૃત્યુ થયું હોવાના પૂરતા પુરાવા છે. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, શીના બોરાના મૃત્યુ અંગે તેમની પાસે જે પુરાવા છે તે ખૂબ જ મજબૂત છે અને તેમાં શંકા કરવાનું કોઈ જ કારણ નથી.
સીબીઆઈએ કોર્ટને કહ્યું કે ફરી એકવાર તપાસ કરવાની કોઈ જરૂર નથી. કાશ્મીરના શ્રીનગરમાં જઈને સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કવાયત નિરર્થક સાબિત થશે. શીના બોરાની હત્યા કરવામાં આવી છે તે અંગે શંકા કરવી નિરર્થક છે.
શીના બોરાને કાશ્મીરના શ્રીનગરમાં જોઈ હોવાનો દાવો કર્યો હતો. તેણે કહ્યું કે તે શીના બોરાને રોકવાની કોશિશ કરતી રહી, પરંતુ કથિત શીના ઝડપથી ત્યાંથી નીકળી ગઈ હતી. આ મહિલાએ પોતાના મોબાઈલથી શીનાનો વીડિયો બનાવ્યો હોવાનો પણ દાવો કર્યો હતો.
શીના બોરાની એપ્રિલ 2012માં કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ, ઈન્દ્રાણી મુખર્જીના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રાઈવર શ્યામવર રાયે નિવેદન આપ્યું હતું કે, શીનાની હત્યા તેની માતા ઈન્દ્રાણીએ ગળું દબાવીને કરી હતી. આ પછી 2015માં ઈન્દ્રાણી મુખર્જીની પણ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ વર્ષો પછી શીના બોરા કાશ્મીરમાં જોવા મળી હોવાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો.
2012માં પોતાની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં જેલમાં રહેલી ઈન્દ્રાણી મુખર્જીએ જેલમાંથી કેન્દ્રીય તપાસ એજન્સીને પત્ર લખ્યો હતો. પત્રમાં ઈન્દ્રાણીએ દાવો કર્યો છે કે શીના બોરા જીવિત છે અને સીબીઆઈએ તેને શોધી કાઢવી જોઈએ. મુખર્જીએ પોતાના પત્રમાં લખ્યું છે કે કાશ્મીરમાં શીના બોરા જીવિત છે.
ત્યાર બાદ, ઈન્દ્રાણી મુખર્જીના વકિલે કોર્ટમાં અરજી કરીને શીના બોરા જીવિત હોવા અંગે સીબીઆઈની તપાસ કરાવવા અરજી કરી હતી. આ અરજી અનુસાર, નવેમ્બર 2021માં એક મહિલાએ ભાયખલા મહિલા જેલની અંદર પોતાની જાતને ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર આશા કોરકે તરીકે રજૂ કરી હતી, જેને ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પણ તેમાં સામેલ હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરકેએ કથિત રીતે મુખર્જીને કહ્યુ હતુ કે જૂન 2021માં તે શ્રીનગરમાં હતી, જ્યાં તે એક યુવતીને મળી જે શીના બોરા જેવી દેખાતી હતી. જ્યારે કોરકેએ યુવતીનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે શું તે શીના બોરા છે, તો યુવતીએ હકારમાં જવાબ આપ્યો હતો.