ગુજરાત સહિત 8 રાજ્યોના DM પાસે છે ભારતીય નાગરિકતા આપવાનો અધિકાર, નિયમો કરાયા કડક

કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકત્વ પ્રક્રિયામાં મોટો સુધારો કર્યો છે. નાગરિકત્વ (ત્રીજો સુધારો) નિયમો, 2026 હેઠળ ગુજરાત સહિત આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા મેજિસ્ટ્રેટને ભારત બહાર જન્મેલા પાત્ર અરજદારોને નાગરિકત્વ આપવાની સત્તા અપાઈ છે.

ગુજરાત સહિત 8 રાજ્યોના DM પાસે છે ભારતીય નાગરિકતા આપવાનો અધિકાર, નિયમો કરાયા કડક
| Updated on: Aug 21, 2026 | 9:11 PM

કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને ભારતની બહાર જન્મેલા પાત્ર અરજદારોને ભારતીય નાગરિકત્વ આપવાની સત્તા આપી છે. આ માટે નાગરિકત્વ (ત્રીજો સુધારો) નિયમો, 2026ને સૂચિત કરવામાં આવ્યા છે.

આ પ્રક્રિયા દ્વારા ભારતીય નાગરિકત્વ આપવામાં આવી શકશે

નવા નિયમો હેઠળ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરા (આદિવાસી વિસ્તારોને બાદ કરતાં) ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વિસ્તારોમાં સામાન્ય રીતે રહેતા અને નાગરિકત્વ માટે લાયક તથા યોગ્ય અરજદારોને નોંધણી અથવા નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા ભારતીય નાગરિકત્વ આપવામાં આવી શકશે.

નવા નિયમો મુજબ, જિલ્લા મેજિસ્ટ્રેટ અરજદારની પાત્રતા અને યોગ્યતા અંગે સંતુષ્ટ થયા બાદ નાગરિકત્વ આપવાનો નિર્ણય લઈ શકશે. અત્યાર સુધી આ પ્રક્રિયામાં સશક્ત સમિતિઓ અને જિલ્લા-સ્તરની સમિતિઓની ભૂમિકા હતી. હવે સંબંધિત વિસ્તારોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ આ સત્તા સંભાળશે.

સરકારે અગાઉથી ચાલી રહેલી અરજીઓ અંગે પણ સ્પષ્ટતા કરી છે. સશક્ત સમિતિઓ અથવા જિલ્લા-સ્તરની સમિતિઓ પાસે પડતર તમામ અરજીઓને સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એટલે કે, જૂની અરજીઓ પરની પ્રક્રિયા પણ હવે નવા વ્યવસ્થાતંત્ર હેઠળ આગળ વધશે.

કલેક્ટર અરજી નકારી શકે

નવા નિયમોમાં અરજદારોની રૂબરૂ હાજરીને લઈને પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. જો અરજદારને યોગ્ય તક આપવામાં આવ્યા છતાં અરજી પર સહી કરવા અને વફાદારીના શપથ લેવા માટે વ્યક્તિગત રીતે હાજર ન થાય, તો કલેક્ટર તેની અરજી નકારી શકે છે.

કેન્દ્ર સરકારે આ સાથે અગાઉના કેટલાક આદેશોને પણ રદ કર્યા છે. જોકે, રદ કરાયેલા આદેશના આધારે અગાઉથી અમલમાં મૂકવામાં આવેલી કાર્યવાહી અથવા જે કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે, તેના પર આ નિર્ણયની અસર નહીં થાય.

નવા નિયમોનો મુખ્ય હેતુ નાગરિકત્વની અરજીઓની પ્રક્રિયાને જિલ્લા સ્તરે વધુ સ્પષ્ટ અને સીધી બનાવવાનો છે. જોકે, અરજદારો માટે પાત્રતા, દસ્તાવેજો અને રૂબરૂ હાજરી જેવી જરૂરી શરતોનું પાલન કરવું હવે વધુ મહત્વપૂર્ણ બનશે.

અમેરિકામાં ગુજરાતના CM નો ડંકો, ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.