
સારંગ અને સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ સહિત ભારતીય વાયુસેનાના (Indian Airforce) વિમાનોની ટુકડી દુબઈ એર શોમાં ભાગ લેશે. 14 થી 18 નવેમ્બર દરમિયાન યોજાશે. એક સરકારી અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી.
તેમણે કહ્યું કે, સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારે ભારતીય વાયુસેનાને સાઉદી હોક્સ, રશિયન નાઈટ્સ અને UAEની અલ ફરસાન સહિત વિશ્વની કેટલીક શ્રેષ્ઠ એરોબેટિક્સ ટીમો સાથે પ્રદર્શન કરવા આમંત્રણ આપ્યું છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, સારંગ ટીમના પાંચ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ, સૂર્ય કિરણ ટીમના 10 BAE હોક 132 એરક્રાફ્ટ અને ત્રણ LCA તેજસ એરક્રાફ્ટને 9 નવેમ્બરે દુબઈ એર શોમાં સામેલ કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, ભારતીય કાફલાના અહીં આગમનનું સ્વાગત UAE સશસ્ત્ર દળોના મેજર જનરલ પાયલટ ઈશાક સાલેહ મોહમ્મદ અલ-બાલુશી અને UAE વાયુસેનાના અન્ય અધિકારીઓએ કર્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાની ટીમો હવે 14 નવેમ્બરે ઉદ્ઘાટન સત્રની તૈયારી કરી રહી છે.
બીજી તરફ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કમાન્ડર કોન્ફરન્સમાં ભારતીય વાયુસેના (IAF)ના ટોચના કમાન્ડરને સંબોધિત કર્યા. તેમણે દેશની ઉત્તરી અને પશ્ચિમી સરહદો પર સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓની આ બેઠક દિલ્હીના વાયુ ભવન ખાતે યોજાઈ રહી છે, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત પણ હાજર છે. આગામી ત્રણ દિવસ સુધી યોજાનારી આ બેઠક દરમિયાન ચીન અને પાકિસ્તાન સાથેની સરહદોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર: દરગાહ અને લગ્ન સહિતના ભીડવાળા વિસ્તારોમાં ફરી શરૂ થશે કોવિડ ટેસ્ટિંગ સેવા
કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા જમ્મુ અને કાશ્મીરના આરોગ્ય વિભાગે ભીડભાડવાળી જગ્યાઓ પર કોવિડ ટેસ્ટિંગ સેવા ફરી શરૂ કરવાના આદેશ જાહેર કર્યા છે. આદેશ અનુસાર મોટાભાગની દરગાહ અને લગ્નમાં લોકોની ભીડ જોવા મળે છે. તેથી, નિયુક્ત તબીબી અધિકારીઓ આવા સ્થળોએ કોવિડ પરીક્ષણ સેવા પ્રદાન કરાશે.
શ્રીનગર જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર ખાસ કરીને એવી જગ્યાઓ પર નજર રાખી રહ્યું છે જ્યાં લોકો વધુ ભેગા થાય છે અને આ લગ્નોમાં વધુ જોવા મળ્યું છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર એજાઝ અસદના જણાવ્યા અનુસાર, 60 ટકા મહિલાઓ એવી છે જે હાલમાં કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને લોકોએ તેમની સાથે અન્ય લોકોની પણ કાળજી લેવી જોઈએ.