
યુએન કાઉન્સિલની કાઉન્ટર ટેરરિઝમ કમિટી (CTC) કોન્ફરન્સના બીજા દિવસે ભારતે મોટી જાહેરાત કરી છે. ભારત તરફથી આતંકવાદનો સામનો કરવા માટે આ વૈશ્વિક મંચ પર પાંચ લાખ ડોલરનું સ્વૈચ્છિક યોગદાન આપવામાં આવશે. આ ફંડનો ઉપયોગ આતંકવાદ સામે લડવા માટે કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની નોટ સ્પીચમાં આની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આતંકવાદીઓ હાઈટેક બની રહ્યા છે અને અમારે પણ તેમની સાથે કામ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરવી પડશે.
ભારતે શનિવારે “અસામાજિક તત્વો” દ્વારા એનક્રિપ્ટેડ સંદેશાઓ અને ક્રિપ્ટોકરન્સી જેવી નવી ટેક્નોલોજીના સંભવિત દુરુપયોગને રોકવા માટે સંકલિત વૈશ્વિક પ્રયાસની હાકલ કરી હતી અને ચેતવણી આપી હતી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આતંકવાદી જૂથોની “ટૂલકીટ” માં પ્રભાવશાળી સાધનો બની ગયા છે.
દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આતંકવાદ વિરોધી સમિતિની એક વિશેષ બેઠકને સંબોધતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આતંકવાદી જૂથો, તેમના “વૈચારિક અનુયાયીઓ” અને “એકલા હુમલા કરનારા” (લોન વુલ્ફે) લોકોએ આ નવી ટેક્નોલોજી સઉધી પહોંચ મેળવવા માટે પોતાની ક્ષમતાઓ વધારી છે. જયશંકરે પાકિસ્તાનના સંદર્ભમાં પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે યુએનની આતંકવાદ વિરોધી પ્રતિબંધ શાસન એવા દેશોને ચેતવણી આપવા માટે અસરકારક છે જેમણે આતંકવાદને ‘રાજ્ય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ સાહસ’ બનાવી લીધું છે.
દિલ્હીમાં આયોજિત આ બેઠકના બીજા દિવસના સત્રમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમામ 15 સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પ્રથમ દિવસનું સત્ર મુંબઈમાં યોજાયું હતું. જયશંકરે જણાવ્યું હતું કે છેલ્લાં બે દાયકામાં તકનીકી નવીનતાઓ વિશ્વની કાર્ય કરવાની રીતમાં પરિવર્તન લાવી છે અને વર્ચ્યુઅલ ખાનગી નેટવર્ક્સ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓથી લઈને વર્ચ્યુઅલ કરન્સી સુધીની નવી અને ઉભરતી તકનીકો આર્થિક અને સામાજિક લાભો માટે આશાસ્પદ ભવિષ્ય પ્રદાન કરે છે.
જોકે, આતંકવાદની વાત આવે ત્યારે સિક્કાની બીજી બાજુ પણ સામે આવે છે, એમ તેમણે જણાવ્યું હતું. “આ નવી ટેક્નોલોજીએ અસામાજિક તત્વો દ્વારા દુરપયોગ માટે સંવેદનશીલ હોવાના કારણે સરકારો અને નિયમનકારી સંસ્થાઓ માટે નવા પડકારો ઉભા કર્યા છે ” તેવુ જયશંકરે જણાવ્યું હતું.