કાળઝાળ ગરમી (Heatwave) વચ્ચે હવામાન વિભાગે મોટી માહિતી આપી છે. IMD એ ઓછામાં ઓછા આગામી પાંચ દિવસ સુધી દેશના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું, ‘આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમીની લહેર પ્રવર્તશે.’ હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે બુધવારે દિલ્હીમાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં ગરમીની સ્થિતિ પ્રવર્તી શકે છે. તો પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ગુજરાતના ઉત્તરીય ભાગોના અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ છે. IMD એ જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આ પછી, લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામણિએ કહ્યું છે કે ઉત્તર ભારતમાં 29 એપ્રિલે ધૂળની આંધી આવવાની સંભાવના છે. સાથે જ 1 થી 2 મે દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે. IMD અનુસાર, 30 એપ્રિલથી પૂર્વીય ક્ષેત્રમાં ગરમીની લહેર રહેશે નહીં. 21 એપ્રિલ, 2007ના રોજ રાજધાનીમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 29 એપ્રિલ 1941ના રોજ એપ્રિલમાં મહત્તમ તાપમાન 45.6 °C નોંધાયું હતું.
તે જ સમયે, હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે શુક્રવારે દિલ્હીમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંશિક વાદળછાયું આકાશ, હળવો વરસાદ અને ધૂળવાળા પવનની સંભાવના છે, જેનાથી થોડી રાહત મળવાની આશા છે.
ભારતમાં છેલ્લા 122 વર્ષોમાં, આ વર્ષે માર્ચ સૌથી ગરમ મહિનો હતો, જે દરમિયાન દેશના મોટા ભાગોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં એપ્રિલ માસના પ્રથમ 25 દિવસમાં અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર પહોંચ્યો છે. તેમજ એપ્રિલ માસમાં મે માસ જેટલી ગરમી નોંધાઈ રહી છે. જેમાં 27 એપ્રિલ અને બુધવારે અમદાવાદ શહેરમાં રાજ્યનું સૌથી વધુ 44 .2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદ શહેરમાં સતત ત્રણ દિવસથી રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર મે માસમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતના આ શહેરોમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, રાજ્ય સરકારે કરી આ વિશેષ વ્યવસ્થા