
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના પરસ્પર સંબંધો માટે આ ખરેખર મહત્વપૂર્ણ ક્ષણ છે. તેમણે કહ્યું કે આ સમજૂતીના આધારે, અમે સપ્લાય ચેઈન વધારવા તેમજ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા લાવવામાં સાથે મળીને યોગદાન આપી શકીશું. તેમણે કહ્યું કે આ કરારથી બંને દેશો વચ્ચે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને પ્રવાસીઓના આદાન-પ્રદાનમાં સરળતા રહેશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને આ કરારને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વધતા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ સંબંધોના કારણે આ કરાર આગળ વધશે. તેમણે કહ્યું કે વેપાર અને આર્થિક સહયોગ વધારવાની સાથે આ કરાર કામ, અભ્યાસ અને પ્રવાસની તકોનું વિસ્તરણ કરશે અને બંને દેશોના લોકો વચ્ચેના ઉષ્માભર્યા સંબંધોને ગાઢ બનાવશે.
મોરિસને જણાવ્યું હતું કે આ કરાર ઘરેલુ ઉત્પાદકો અને સેવા પ્રદાતાઓ માટે અસંખ્ય વ્યાપાર વૈવિધ્યીકરણની તકો ઊભી કરશે, જેનું મૂલ્ય દર વર્ષે 14.8 બિલિયન ડોલર હશે. તેમણે કહ્યું કે આ સોદો ઓસ્ટ્રેલિયાના ખેડૂતો, ઉત્પાદકો અને અન્ય ઘણા લોકો માટે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાના દરવાજા ખોલશે.
મોરિસને કહ્યું કે ભારતના લગભગ 1.4 બિલિયન ગ્રાહકોના બજારનો માર્ગ ખોલીને અમે અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યા છીએ અને આપણા દેશમાં રોજગાર વધારી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ સમજૂતીનો આધાર અમારી મજબૂત સુરક્ષા ભાગીદારી અને ક્વોડ એલાયન્સમાં અમારા સંયુક્ત પ્રયાસો છે.
Published On - 8:05 pm, Sat, 2 April 22