કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) શુક્રવારે તેલંગાણાના (Telangana) નિર્મલ શહેરમાં એક જાહેર સભાને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ‘તેલંગાણા મુક્તિ દિવસ’ નિમિત્તે આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપે કહ્યું કે આ સભા નિઝામ અને રઝાકારો સામે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની યાદમાં યોજાઈ રહી છે.
15 ઓગસ્ટ, 1947 ના રોજ દેશને આઝાદી મળી, પરંતુ હૈદરાબાદની તત્કાલીન રીયાસત (નિઝામના શાસન અંતર્ગત) 17 સપ્ટેમ્બર, 1948 ના રોજ ભારતીય સંઘમાં ભળી ગયું. ભારતીય જનતા પાર્ટી ઘણા વર્ષોથી માગ કરી રહી છે કે આ દિવસને સત્તાવાર રીતે ‘તેલંગાણા મુક્તિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે. આ પરીસ્થિતિમાં સભામાં આ દિવસને સત્તાવાર રીતે ઉજવવાની ભાજપની માગ ઉભી થાય તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે નિર્મલ શહેર અંગ્રેજો અને નિઝામ સામે લડતા એક હજાર લોકોની શહાદતનું સાક્ષી રહ્યું છે.
17 સપ્ટેમ્બરે સત્તાવાર તહેવાર ઉજવવાની માગ
તેલંગાણા ભાજપના (BJP) અધ્યક્ષ અને સાંસદ બંદી સંજય કુમારે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે, સત્તામાં આવ્યા બાદ શાસક પક્ષ ટીઆરએસએ આ મુદ્દે પોતાનું વલણ બદલ્યું છે. તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી જી પ્રેમેન્દ્ર રેડ્ડીએ જણાવ્યું હતું કે અલગ તેલંગણાની માંગણીને લઈને ચલાવવામાં આવેલા આંદોલન દરમિયાન મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે 17 સપ્ટેમ્બરે સત્તાવાર ઉજવણીની પણ માગ કરી હતી. પ્રેમેન્દ્ર રેડ્ડીએ આરોપ લગાવ્યો કે, ચંદ્રશેખર રાવે સત્તા પર આવ્યા બાદ પોતાનુ વલણ બદલ્યું હતું. આમ, ચંદ્રશેખર રાવ બેવડુ ધોરણ ધરાવે છે.
અલગ તેલંગાણા રાજ્યની માંગણી દરમિયાન ઉભી થઈ હતી આ ડીમાંડ
જી. પ્રેમેન્દ્ર રેડ્ડીએ કહ્યું કે ટીઆરએસ સરકાર આ દિવસની ઉજવણી કરી રહી નથી, જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકના જિલ્લાઓ જે પહેલા હૈદરાબાદ રાજ્યનો ભાગ હતા તેઓ પણ સત્તાવાર રીતે આ દિવસને ઉજવે છે. રેડ્ડીએ કહ્યું કે, સમગ્ર તેલંગણા પ્રદેશ નિઝામથી મુક્ત થયો હોવા છતાં ટીઆરએસ સરકાર આ દિવસની ઉજવણી કરતી નથી. તેમણે કહ્યું કે અલગ તેલંગાણા રાજ્યની માંગણી દરમિયાન ટીઆરએસ પ્રમુખ અને વર્તમાન મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે 17 સપ્ટેમ્બરે સત્તાવાર ઉજવણીની માગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સત્તામાં આવ્યા બાદ તેઓ આ મુદ્દાને લઈને પાછળ હટી ગયા છે, જે તેમનું બેવડુ ધોરણ દર્શાવે છે.