આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મેરઠથી મુરાદાબાદ સુધી હળવા વરસાદની શક્યતા છે, જ્યારે દિલ્હી NCRમાં ભેજવાળો ઉનાળો ચાલુ રહેશે. હવામાન વિભાગના અહેવાલ મુજબ આજે પૂર્વોત્તરમાં આસામ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વરસાદની સંભાવના છે. તેવી જ રીતે પશ્ચિમ બંગાળ, ગુજરાત, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. આ રિપોર્ટ અનુસાર ઓડિશા, વિદર્ભ, તેલંગાણા, કોંકણ અને ગોવા ઉપરાંત દક્ષિણના રાજ્યો કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાનની આગાહી કરતી વેબસાઈટ સ્કાયમેટ વેધર અનુસાર, આજે પૂર્વી રાજસ્થાન સિવાય ઉત્તર પ્રદેશના મોટા ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે તમિલનાડુ અને તટીય આંધ્ર પ્રદેશમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ વેબસાઈટ અનુસાર, હાલમાં ઝારખંડને અડીને આવેલા વિસ્તારોમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી 2 દિવસમાં તે ઝારખંડ અને દક્ષિણ બિહાર તરફ આગળ વધે તેવી શક્યતા છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ આસામ, ઓડિશા, કોંકણ અને ગોવાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો છે. એ જ રીતે તમિલનાડુ અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારો પણ વરસાદથી પ્રભાવિત થયા હતા. આ તમામ વિસ્તારોમાં શનિવારે ફરી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ દિલ્હી એનસીઆરમાં આજે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઉપર રહેશે. મહત્તમ તાપમાન પણ 33 ડિગ્રીથી ઉપર રહેશે. પવનની ગતિ સામાન્ય રહેશે.
બીજી તરફ વરસાદના કારણે બિહારના હાજીપુર શહેરની હાલત ખરાબ છે. શુક્રવારે વૈશાલીમાં ભારે વરસાદને કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાની સૌથી મોટી સદર હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. મહિલા, પુરૂષ અને સર્જીકલ વોર્ડ ઉપરાંત ઓપરેશન થિયેટરમાં પાણી ભરાવાના કારણે દર્દીઓની સારવારને અસર થઈ રહી છે.
ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, વલસાડ સહિત વડોદરા, પંચમહાલ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દિલ્હી NCRમાં ભેજવાળી ગરમી સાથે હવામાન શુષ્ક રહેશે. જો કે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મેરઠથી મુરાદાબાદ સુધી વરસાદની સંભાવના છે. તેવી જ રીતે, રાજસ્થાન અને ગુજરાતના ભાગો સિવાય, બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. દિલ્હી NCRમાં તાપમાન 25 થી 33 ડિગ્રીની વચ્ચે રહેશે.