આજે ગુરુવારે મધ્યપ્રદેશના ધારમાં જન આક્રોશ રેલીને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં દરેક જગ્યાએ કૌભાંડ જ કૌભાંડ ચાલી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ કૌભાંડ થકી ‘મહાકાલ’ ને પણ છોડ્યા નથી. હવે મધ્યપ્રદેશમાં સરકાર બદલવાનો સમય આવી ગયો છે. પ્રિયંકા ગાંધીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાકપ્રહાર કરતા કહ્યું કે, આજકાલ વડાપ્રધાન મોદી, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહનું નામ લેતા પણ શરમાય છે, પરંતુ કોંગ્રેસનું નામ તેમના સંબોધનમાં પંચ્યાસી વખત લે છે. મારી તેમને સલાહ છે કે ક્યારેક વડાપ્રધાન મોદીએ ‘વિકાસ’નું નામ પણ લેવું જોઈએ.
ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડ થયું હતું, જેમાં 50થી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ તેની તપાસ હજુ સુધી થઈ નથી. જ્યારે, જો કોઈ તેમની વિરુદ્ધ કંઈ બોલે અથવા લખે છે, તો તરત જ સરકારના ઈશારે ઇડી તેમના ઘરે પહોંચી જાય છે. ED ફિલ્મ કલાકારોના ઘરે પણ પહોંચે છે. ED મધ્યપ્રદેશના અધિકારીઓ અને ભાજપના નેતાઓના ઘરે કેમ નથી પહોંચતું?
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જાહેરસભાને સંબોધતા વધુમાં કહ્યું કે, જેઓ આજે મોટા મોટા ચૂંટણી વચનો આપી રહ્યા છે. વર્ષોથી લૂંટ ચલાવ્યા પછી તેમને ગેસ સિલિન્ડરની કિંમત યાદ આવી છે. 18 વર્ષ પછી તેમને તેમની બહેનો યાદ આવી. તો 18 વર્ષ સુધી આ બહેનો ક્યાં ગૂમ થઈ ગઈ હતી ? પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં તલાટી છેલ્લા એક મહિનાથી હડતાળ પર છે કારણ કે ભાજપ સરકારે તેમને સહાય પૂરી પાડી નથી. લોકો પોતાના અગત્યના કામ કરાવવા માટે અહીં તહીં ભટકી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમારી કોંગ્રેસ સરકારોએ પંચાયતોને સત્તા આપીને આ અધિકારને વધુ મજબૂત બનાવ્યો છે. પરંતુ આજે ભાજપ, સરપંચોના અધિકારો છીનવી રહી છે. અમને અમારા દેશ પર ગર્વ છે. અહીં દરેક વ્યક્તિને સમાન અધિકાર મળવો જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે મેં મધ્યપ્રદેશના યુવાનોને પૂછ્યું કે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં શું થવાનું છે તો તેઓએ કહ્યું કે ‘રાજા જવાના છે’, આ વખતે અમે મધ્ય પ્રદેશમાં રોજગાર માટે મતદાન કરીશું.
પ્રિયંકા ગાંધીની મધ્યપ્રદેશની મુલાકાત અંગે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કમલનાથે કહ્યું કે પ્રિયંકા ગાંધીની મધ્યપ્રદેશની મુલાકાતે ઘણી અસરકારક રહેશે. ઉમેદવારોની યાદી અંગે તેમણે કહ્યું કે મને મધ્યપ્રદેશના મતદારો પર પૂરેપૂરો વિશ્વાસ છે. સ્ત્રી હોય કે પુરુષ, આ ચૂંટણી સમગ્ર મધ્યપ્રદેશનું ભવિષ્ય નક્કી કરશે. આ વખતે કોઈ એક માત્ર એક ઉમેદવાર કે એક રાજકીય પક્ષની ચૂંટણી નથી પરંતુ મધ્યપ્રદેશના ભવિષ્યની ચૂંટણી છે. કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટ 4 થી 5 દિવસમાં ફાઈનલ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ય રાજ્યોની સાથેસાથે મધ્યપ્રદેશમાં કોઈપણ સમયે વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ કરી શકે છે.