ઉત્તરાખંડના જોશીમઠ પર મંડરાઈ રહેલ સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરતી અરજી પર આજે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી 16 જાન્યુઆરીની કોઝ લિસ્ટ મુજબ, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બનેલી બેંચ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
જોશીમઠ એ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ અને આંતરરાષ્ટ્રીય સ્કીઇંગ માટે જાણીતા ઓલી જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનોનું પ્રવેશદ્વાર છે. જે, ભૂસ્ખલનના મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. ત્યારે સંકટના ઘેરા વચ્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા સુપ્રિમ કોર્ટમાં જોશીમઠ પર તોળાઈ રહેલ સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાને લઈને અરજી કરી હતી. અદાલતે 10 જાન્યુઆરીએ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે પરિસ્થિતિનો સામનો કરવા માટે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર છે અને તમામ બાબતોને લઈને કોર્ટમાં ન આવવું જોઈએ. જો કે, કોર્ટે સ્વામી સરસ્વતીની અરજીને 16 જાન્યુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ કરી હતી.
જોશીમઠ પર ભૂસ્ખલનના કારણે તે વિસ્તારના તમામ ઘરો મકાનો સહિત દુકાનોમાં પણ તિરાડો પડી ગઈ છે. તેમજ જમીન પસ ધસી ગઈ છે. ત્યારે આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોચ્યોં હતો. જે અંગે CJIએ કહ્યું હતું કે, દરેક બાબતોને લઈને અમારી પાસે આવવાની જરૂર નથી. તેને જોવા માટે સરકાર તેમજ તેમની ચૂંટાયેલી સંસ્થાઓ છે. અમે તેને 16 જાન્યુઆરીએ સૂચિબદ્ધ કરીશું. અરજદારે દલીલ કરી હતી કે મોટા પાયે ઔદ્યોગિકીકરણને કારણે આ ઘટના બની છે અને ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતરની જરૂર છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કરેલી અરજીમાં જોશીમઠ પરની આ પડકારજનક સ્થિતિમાં રહેવાસીઓને સક્રિયપણે ટેકો આપવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને નિર્દેશ આપવાની પણ માગણી કરી છે. સંતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે માનવ જીવન અને તેમના જીવસૃષ્ટિના ખર્ચે કોઈ વિકાસની જરૂર નથી અને જો કંઈપણ થાય તો તેને યુદ્ધના ધોરણે તાત્કાલિક અટકાવવાની રાજ્ય અને કેન્દ્ર સરકારની ફરજ છે. તેમજ જોશીમઠ પરનું આ સંકટ પણ ઔદ્યોગિકીકરણને કારણે જ થયું છે. અને હજુ પણ તે બનતુ રહશે. ત્યારે આ વચ્ચે સ્વામીએ જોશીમઠ પરના સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવેની માગણી કરી છે. જે અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવાણી હાથ ધરાશે.