હવે મન ફાવે તેમ કામ નહીં ચાલે ! લાખો ગિગ વર્કર્સ માટે સરકારે નક્કી કરી કામની મર્યાદા, સમજો 90 અને 120 દિવસનું ગણિત

ભારતમાં સ્વિગી, ઝોમેટો, ઉબેર અને ઓલા જેવા ઓનલાઇન પ્લેટફોર્મ સાથે જોડાયેલા લાખો 'ગિગ વર્કર્સ' માટે સરકાર મોટા ફેરફારો કરવા જઈ રહી છે. ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષા અને વીમા જેવા લાભો આપવા માટે કેન્દ્ર સરકારે નવા નિયમો જાહેર કર્યા છે.

હવે મન ફાવે તેમ કામ નહીં ચાલે ! લાખો ગિગ વર્કર્સ માટે સરકારે નક્કી કરી કામની મર્યાદા, સમજો 90 અને 120 દિવસનું ગણિત
| Updated on: May 11, 2026 | 6:17 PM

દેશમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે સોશિયલ સિક્યોરિટી (સામાજિક સુરક્ષા) ને લગતા નવા નિયમો લાગુ કરવાની તૈયારીઓ તેજ બની છે. સરકારે સોશિયલ સિક્યોરિટી કોડ હેઠળ ફાઇનલ નિયમો જાહેર કર્યા છે, જે મુજબ હવે ગિગ વર્કર્સે વર્ષમાં નક્કી કરેલા દિવસો સુધી કામ કરવું અનિવાર્ય રહેશે. આ નવા નિયમો ખાસ કરીને ફૂડ ડિલિવરી, કેબ સર્વિસ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ સાથે જોડાયેલા કર્મચારીઓને લાગુ પડશે.

Swiggy, Zomato, Uber, Ola અને Rapido જેવા પ્લેટફોર્મ પર કામ કરતા લાખો વર્કર્સ આનાથી પ્રભાવિત થઈ શકે છે. સરકારનું કહેવું છે કે, આ નિયમોનો હેતુ ગિગ વર્કર્સને હેલ્થ ઈન્સ્યોરન્સ અને અન્ય સુરક્ષા લાભો આપવાનો છે. આ સાથે જ એગ્રીગેટર કંપનીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે.

90 દિવસ કામ કરવું જરૂરી રહેશે

નવા નિયમો મુજબ, કોઈપણ ગિગ કે પ્લેટફોર્મ વર્કરે સામાજિક સુરક્ષાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 90 દિવસ સુધી એક એગ્રીગેટર સાથે કામ કરવું પડશે. જો કોઈ કર્મચારી એક કરતા વધુ પ્લેટફોર્મ પર કામ કરે છે, તો તેના માટે આ મર્યાદા 120 દિવસની કરવામાં આવી છે. ટૂંકમાં, જે લોકો Swiggy અને Zomato બંનેમાં ડિલિવરી કરે છે અથવા Uber, Ola અને Rapido સાથે કામ કરે છે, તેમણે વધુ દિવસો સુધી સક્રિય રહેવું પડશે. સરકારનું માનવું છે કે, આનાથી નિયમિત રીતે કામ કરતા કર્મચારીઓની ઓળખ સરળ બનશે.

એક દિવસની કમાણીની ગણતરી આ રીતે થશે

સરકારે નિયમોમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વર્કર કોઈ પ્લેટફોર્મ પરથી એક દિવસમાં કમાણી કરે છે, તો તેને એક દિવસનું કામ માનવામાં આવશે. બીજી તરફ, જો કોઈ કર્મચારી એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ એગ્રીગેટર સાથે કામ કરે છે, તો તેને ત્રણ દિવસનું કામ (એન્ગેજમેન્ટ) ગણવામાં આવશે. આનો અર્થ એ છે કે, મલ્ટિપલ પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓ માટે દિવસો ઝડપથી ઉમેરાશે. આ નિયમ એવા લોકોને રાહત આપશે જેઓ એક સાથે અનેક એપ્સ દ્વારા કમાણી કરે છે.

કંપનીઓ પર મોટી જવાબદારી

નિયમો હેઠળ હવે એગ્રીગેટર કંપનીઓએ દરેક ગિગ વર્કરનો સંપૂર્ણ રેકોર્ડ સરકારના પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. કંપનીઓએ આ માહિતી 45 દિવસની અંદર આપવી પડશે. આ ઉપરાંત નવા કર્મચારીઓની નિમણૂક અને નોકરી છોડનારા કર્મચારીઓની માહિતી પણ દરરોજ અથવા રિયલ ટાઈમ ધોરણે અપડેટ કરવાની રહેશે.

સમયસર ફાળો ન આપવા બદલ વ્યાજ લાગશે

સરકારે કંપનીઓ માટે કડક જોગવાઈઓ પણ કરી છે. જો કોઈ એગ્રીગેટર નક્કી કરેલા સમય પર સોશિયલ સિક્યોરિટી ફંડમાં યોગદાન જમા નહીં કરે, તો તેણે વ્યાજ ચૂકવવું પડશે. નિયમો અનુસાર, વિલંબ થવા પર દર મહિને 1 ટકા વ્યાજ લાગશે, જે વાર્ષિક ધોરણે લગભગ 12 ટકા સુધી પહોંચી શકે છે. સરકારનું કહેવું છે કે, આનાથી કંપનીઓ સમયસર પેમેન્ટ કરવા માટે જવાબદાર બનશે અને વર્કર્સના હિત સુરક્ષિત રહેશે.

60 વર્ષની ઉંમર પછી લાભ નહીં મળે

નવા નિયમો અનુસાર, ગિગ વર્કર્સને સામાજિક સુરક્ષાનો લાભ માત્ર નક્કી કરેલી શરતો પૂરી કરવા પર જ મળશે. જો કોઈ કર્મચારીની ઉંમર 60 વર્ષથી વધુ થઈ જાય, તો તે આ યોજનાઓ માટે પાત્ર રહેશે નહીં. આ ઉપરાંત, જો કોઈ વર્કરે પાછલા નાણાકીય વર્ષમાં 90 દિવસ અથવા મલ્ટિપલ પ્લેટફોર્મ પર 120 દિવસ કામ નથી કર્યું, તો તેનો લાભ બંધ થઈ શકે છે. આમાં હેલ્થ ઈન્સ્યોરન્સ, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ શામેલ છે.

રાજ્યોને પણ નિયમો બનાવવાની છૂટ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિયમો બાદ હવે રાજ્યોને પણ પોતાના સ્તરે નિયમો બનાવવાનો રસ્તો મળી ગયો છે. રાજ્ય સરકારો કેન્દ્રીય નિયમોને આધાર બનાવીને પોતાના સ્થાનિક નિયમો તૈયાર કરી શકે છે. માનવામાં આવે છે કે, આગામી સમયમાં ગિગ ઇકોનોમી સાથે જોડાયેલા કર્મચારીઓ માટે અલગ-અલગ રાજ્યોમાં નવી વ્યવસ્થાઓ લાગુ થઈ શકે છે, જેનાથી આ સેક્ટરમાં કામ કરતા લાખો લોકોને વધુ સુરક્ષા અને ઓળખ મળવાની આશા છે.

Breaking News: ગભરાવાની જરૂર નથી… દેશમાં પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો, સરકારે અફવાઓ પર મૂક્યું ‘પૂર્ણવિરામ’

Follow Us