
સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની સબસિડી પર ઘણું કડક વલણ અપનાવ્યું છે. હવે એવા ગ્રાહકોની LPG સબસિડી બંધ કરવાનો પ્લાન છે કે, જેઓની કમાણી નક્કી કરેલી મર્યાદા કરતા વધારે છે. આ અંતર્ગત ઘણા ગ્રાહકોને SMS મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં તેઓને પોતાની વિગતો અપડેટ કરવા અને આવક સાથે જોડાયેલી માહિતી આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. સરકારનું કહેવું છે કે, સબસિડી માત્ર એવા જ લોકોને મળવી જોઈએ કે, જેઓ ખરેખર તેના પાત્ર છે.
CA હિમાંક સિંગલાએ સોશિયલ મીડિયા પર સરકારી કંપની ઈન્ડિયન ઓઈલ તરફથી આવેલા મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ મેસેજમાં 10 લાખ રૂપિયાથી વધુ ટેક્સેબલ આવક ધરાવતા લોકોની LPG સબસિડી બંધ કરવાની વાત કરવામાં આવી છે.
Government has now started sending text messages regarding LPG subsidy eligibility based on Income-Tax records.
Consumers whose gross taxable income (self or linked family member) exceeds ₹10 lakh are being asked to respond within 7 days, failing which LPG subsidy may be… pic.twitter.com/HHXiQ2BkfX
— CA Himank Singla (@CAHimankSingla) May 10, 2026
સિંગલાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘સરકારે હવે ઇન્કમ ટેક્સ રેકોર્ડના આધારે LPG સબસિડીની પાત્રતા અંગે લોકોને SMS મોકલવાનું શરૂ કરી દીધું છે. સરળ રીતે કહીએ તો, જે ગ્રાહકો અથવા તેમના પરિવારના કોઈ સભ્યની કુલ ટેક્સેબલ આવક ₹10 લાખથી વધુ છે, તેમને 7 દિવસમાં જવાબ આપવા અથવા વિગતો અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો આમ નહીં કરવામાં આવે તો LPG સબસિડી બંધ થઈ શકે છે. એવું લાગે છે કે, હવે સબસિડી પાત્રતાની કડક તપાસ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.’
સરકાર પહેલા પણ ઘણીવાર સ્પષ્ટ કરી ચૂકી છે કે, વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા પરિવારો ‘PAHAL’ યોજના હેઠળ LPG સબસિડી મેળવવા માટે પાત્ર નથી. હવે નવા મેસેજથી એવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે, સરકાર આ તપાસને પહેલા કરતા વધુ કડક રીતે અમલમાં મૂકવા જઈ રહી છે. આ જ કારણ છે કે, હવે સીધા મેસેજ મોકલીને ગ્રાહકોને જાણ કરવામાં આવી રહી છે અને સબસિડી બંધ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર હવે PAN સાથે જોડાયેલ ઇન્કમ ટેક્સ રેકોર્ડ, આધાર સાથે લિંક પરિવારની માહિતી અને LPG ગ્રાહકોના ડેટાબેઝનું મેચિંગ (Matching) કરી રહી છે. આનો હેતુ એવા પરિવારોની ઓળખ કરવાનો છે, જેઓ નિયમોની બહાર હોવા છતાં સબસિડીનો લાભ લઈ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, હવે માત્ર ગેસ કનેક્શન ધારકની આવક જ નહીં પરંતુ પરિવારના બીજા સભ્યોની કમાણી પણ તપાસના દાયરામાં આવી શકે છે. એવામાં જો પરિવારમાં કોઈ એક સભ્યની આવક પણ નક્કી કરેલી મર્યાદા કરતા વધુ હશે, તો સબસિડી પર અસર પડી શકે છે.
ઘરેલું LPG સિલિન્ડર પર સબસિડી યોજનાની શરૂઆત આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવા માટે કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સબસિડીની રકમ સીધી ગ્રાહકોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ‘ગિવ ઈટ અપ’ (Give It Up) અભિયાન પણ ચલાવ્યું હતું. આમાં સક્ષમ લોકોને સ્વેચ્છાએ સબસિડી છોડવાની અપીલ કરવામાં આવી હતી. હવે સરકાર ડિજિટલ વેરિફિકેશન અને ડેટા મેચિંગ દ્વારા દેખરેખને વધુ મજબૂત કરવા માંગે છે, જેથી સરકારી ખર્ચને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય.
આમાં જે લોકોને આવો SMS અથવા નોટિસ મળી છે, તેઓએ તેમના KYC ડોક્યુમેન્ટ્સ, આવક સંબંધિત માહિતી અને લિંક કરેલા રેકોર્ડ્સની તપાસ કરી લેવી જોઈએ. જરૂર જણાય તો આ માહિતી તમારા રજિસ્ટર્ડ LPG ડિસ્ટ્રિબ્યુટર અથવા ઓઈલ માર્કેટિંગ કંપનીઓના સત્તાવાર પોર્ટલ પર જઈને અપડેટ કરવાની રહેશે. જો નક્કી કરેલા સમયમાં જવાબ આપવામાં નહીં આવે, તો LPG સબસિડી અટકાવી શકાય છે. જોકે, ગ્રાહકો બજાર કિંમતે ગેસ સિલિન્ડર ખરીદવાનું ચાલુ રાખી શકશે.