Breaking News: 5 બંગલા, 13 પ્લોટ, રોકડની 4 થી 5 બેગ… ₹6,000ના મામૂલી પગારથી સરકારી બાબુએ બનાવ્યું કરોડોનું ‘કાળું સામ્રાજ્ય’

વિજિલન્સની ટીમે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. ટીમે એક સરકારી એન્જિનિયરના ત્યાં દરોડા પાડીને કરોડો રૂપિયાનું કાળું નાણું ઝડપી પાડ્યું છે. આ ઘટના બાદ હવે ચર્ચા ચાલી રહી છે કે, દેશમાં હજુ આવા કેટલા ભ્રષ્ટ અધિકારીઓ છુપાયેલા હશે?

Breaking News: 5 બંગલા, 13 પ્લોટ, રોકડની 4 થી 5 બેગ... ₹6,000ના મામૂલી પગારથી સરકારી બાબુએ બનાવ્યું કરોડોનું કાળું સામ્રાજ્ય
| Updated on: Jun 07, 2026 | 2:28 PM

વાત એક એવી ઘટનાની કે, જે સમગ્ર સરકારી સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે. સરકાર દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગ માટે યોજનાઓ તો અનેક જાહેર કરાય છે પણ આપણને ઘણીવાર સવાલ થાય છે કે, આ યોજનાઓ સાચા જરૂરિયાતમંદો સુધી સમયસર પહોંચતી કેમ નથી?

આ પાછળનું મુખ્ય કારણ ‘સરકારી કચેરીઓમાં ઘર કરી ગયેલો ભ્રષ્ટાચાર’ છે. અવારનવાર એવા આક્ષેપો ઊઠતા રહે છે કે, “સરકારી બાબુ”ઓને જ્યાં સુધી ટેબલ નીચેથી રૂપિયા ન ખવડાવો, ત્યાં સુધી સામાન્ય માણસની ફાઇલ આગળ વધતી જ નથી. કંઈક આવી જ ભ્રષ્ટ સિસ્ટમની જીવતી-જાગતી સાબિતી આપતા ચોંકાવનારા દ્રશ્યો હવે ઓડિશામાંથી સામે આવ્યા છે, જ્યાં વિજિલન્સની ટીમે એક સરકારી એન્જિનિયરના કાળા સામ્રાજ્યનો પર્દાફાશ કર્યો છે.

સરકારી કર્મીના કાળા સામ્રાજ્યનો પર્દાફાશ

મળતી વિગતો મુજબ, ITDA એટલે કે એકીકૃત આદિજાતિ વિકાસ એજન્સી (Integrated Tribal Development Agency) માં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા બૈકુંઠનાથ બેહેરા પાસે આવક કરતા વધુ સંપત્તિ હોવાની ફરિયાદો મળી હતી. આ આરોપી બૈકુંઠનાથ કંધમાલ જિલ્લાના બલિગુડામાં ફરજ બજાવતો હતો.

આ ગંભીર ફરિયાદના આધારે એક્શનમાં આવેલી ઓડિશા વિજિલન્સની ટીમે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા તેના 9 જેટલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને કાળા સામ્રાજ્યનો પર્દાફાશ કર્યો હતો.

શું શું મળી આવ્યું?

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ તપાસ દરમિયાન 2 બેંક લોકરમાં તપાસ કરવામાં આવી અને બંનેમાંથી 2 કરોડની રોકડ મળી આવી. આ જોઈને ખુદ તપાસ ટીમ પણ ચોંકી ગઈ. ભુવનેશ્વરના ચંદ્રશેખરપુર સ્થિત બે બેંકના લોકર, જે બૈકુંઠનાથના પત્નીના નામે નોંધાયેલા છે. આમાંથી 2 કરોડની રોકડ મળતા અનેક સવાલો ઊઠી રહ્યા છે.

જપ્ત કરાયેલી રકમ એટલી હતી કે, વિજિલન્સની ટીમે રોકડને 4 થી 5 બેગમાં ભરવી પડી હતી. ત્યારબાદ તેને ઓફિસ લાવી મશીનોથી ગણતરી કરવામાં આવી હતી. વધુમાં મોટા પ્રમાણમાં સોનાના દાગીના પણ મળી આવ્યા છે, જેનું હજુ આકલન કરવાનું બાકી છે.

તપાસ દરમિયાન અત્યાર સુધીમાં એ પણ સામે આવ્યું છે કે, બૈકુંઠનાથ પાસે 5 બહુમાળી ઈમારત છે અને એમાંથી 4 તો ભુવનેશ્વરમાં જ છે. ભુવનેશ્વરમાં નીલાદ્રિ વિહારમાં લગભગ 10 હજાર 500 વર્ગ ફૂટમાં ભવ્ય ચાર માળની ઈમારત બનેલી છે. આ સિવાય શૈલશ્રી વિહાર, કાનન વિહાર, ચંદ્રશેખરપુર અને ધર્મશાળામાં પણ બહુમાળી ઈમારત હોવાનો ખુલાસો થયો છે. વધુમાં 13 જેટલા પ્લોટ હોવાનો પણ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. હાલ આ મિલકતોની બજાર કિંમતનું મૂલ્યાંકન કરાઈ રહ્યું છે.

આટલી અધધ સંપત્તિ ક્યાંથી ઊભી કરી?

સરકારી એન્જિનિયરે વર્ષ 1999માં માત્ર 6 હજારના માસિક પગારથી નોકરી શરૂ કરી હતી. ત્યારે તે જુનિયર એન્જિનિયર હતો. વર્ષ 2016માં તેને આસિસ્ટન્ટ એન્જિનિયર બનાવાયો અને વર્ષ 2026માં પ્રમોશન આપી બલીગુડામાં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનાવાયો. હાલ તેનો પગાર માસિક 80 હજાર રૂપિયા છે.

મુદ્દો એ છે કે, આ આવકમાં આટલી અધધ સંપત્તિ ક્યાંથી ઊભી કરી? જો કે, સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરના સમયમાં આવક કરતાં વધુ સંપત્તિની કાર્યવાહીમાં આ સૌથી મોટી કાર્યવાહી મનાઈ રહી છે.

માત્ર ₹6,000ના પગારથી નોકરીની શરૂઆત કરનારા આ સરકારી કર્મીએ આટલું મોટું સામ્રાજ્ય ક્યાંથી અને કેવી રીતે ઊભું કરી દીધું? આ ઘટના બાદ હવે લોકોમાં એ જ ચર્ચા ચાલી રહી છે કે, દેશમાં હજુ આવા કેટલા ભ્રષ્ટ અધિકારીઓ છુપાયેલા હશે?

આ એક ઘટનાએ ઘણા સવાલો ઊભા કર્યા?

  1. શું આ જ આપણો સદભાવના અને પ્રમાણિકતાનો ભારત દેશ છે?
  2. ગરીબોના હકનું લોહી ચૂસતા આવા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ પર આખરે કાયદાની લાલ આંખ ક્યારે કરવામાં આવશે? શું
  3. આ એન્જિનિયરને તેના પાપની આકરી સજા મળશે કે પછી દર વખતની જેમ મોટા ગજાના લોકો અને પૈસાની રમતથી આખો કેસ દબાવી દેવામાં આવશે?
  4. આખરે દેશમાં હજુ આવા કેટલા ભ્રષ્ટ અધિકારીઓ છુપાયેલા હશે?

Modi Vs Nehru : તે સમયે એક પક્ષનું શાસન, હવે સેંકડો પક્ષો વચ્ચે સ્પર્ધા, ચૂંટણીના સ્તરે નેહરુ અને મોદી ક્યાં ઊભા છે?

Follow Us