કોરોનાને લઈને સરકાર એલર્ટ, દેશમાં ફેલાઈ રહ્યો છે XBB.1.5 વેરિઅન્ટ, બીજો બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓએ 26 ડિસેમ્બરે એક બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને વધારાનો ડોઝ આપવાની મંજૂરી આપવા જણાવ્યું હતું.

કોરોનાને લઈને સરકાર એલર્ટ, દેશમાં ફેલાઈ રહ્યો છે XBB.1.5 વેરિઅન્ટ, બીજો બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ
Booster dose (file photo)
| Edited By: | Updated on: Jan 03, 2023 | 9:12 AM

વિશ્વભરમાં જીવલેણ નિવડેલા કોરોના વાયરસના કેસ હવે ભારતમાં પણ વધી રહ્યા છે. જો કે ભારતમાં હજુ સુધી કોરોનાના કેસોમાં વિશ્વના અન્ય દેશોની માફક ઉછાળો જોવા મળ્યો નથી. પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચીનમાં ઝડપથી ફેલાયેલા કોરોના વાયરસનું સબ-વેરિયન્ટ XBB.1.5 હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની પેનલ હવે આ અંગે સતર્ક બની છે. પેનલ કોરોનાને મૂળમાંથી ખતમ કરવા માટે બીજો બૂસ્ટર ડોઝ આપવા અંગે ચર્ચા કરી રહી છે. સરકારે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે તે બૂસ્ટર ડોઝનો વ્યાપ વધારવા પર ભાર આપી રહી છે.

ભારતમાં હાલમાં માત્ર 28 ટકા વસ્તીએ બૂસ્ટર ડોઝ લીધો છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં દેશમાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ હતી. રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ અથવા NTAGI ની કમિટીઓનો હિસ્સો ધરાવતા એક નિષ્ણાતે નામ ન આપવાની શરતે મીડિયાને કહ્યું, “ટેક્નિકલ ગ્રુપના સભ્યો વચ્ચે બીજો બૂસ્ટર ડોઝ આપવા માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે, અમે કોઈપણ ભલામણો કરતા પહેલા તમામ વૈજ્ઞાનિક ડેટાનો અભ્યાસ કરીશું.”

 છ મહિનામાં રોગપ્રતિકારક શક્તિ ઘટે છે

તબીબી અભ્યાસ મુજબ, કોરોનાની રસી પછી, રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે ચારથી છ મહિનામાં ઘટે છે, પરંતુ ચોથો ડોઝ ( બૂસ્ટરનો બીજો ડોઝ) આ ગંભીર રોગને દૂર કરવામાં મદદ કરી શકે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓએ 26 ડિસેમ્બરે એક બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને વધારાના ડોઝ આપવાની મંજૂરી આપવા જણાવ્યું હતું. ડોકટરોએ મીટિંગમાં વિનંતી કરી હતી કે, ઓછામાં ઓછા ઉચ્ચ જોખમ ધરાવતા લોકો, જેવા કે, આરોગ્ય સંભાળ કાર્યકરો, વૃદ્ધો અને કોમોર્બિડિટીઝથી પીડાતા લોકોને ચોથો ડોઝ આપવામાં આવે.

લોકોને બુસ્ટર ડોઝ લેવા સરકારની અપીલ

કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ (પહેલો બૂસ્ટર ડોઝ) લગભગ એક વર્ષ પહેલા હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવ્યો હતો. સરકારના સત્તાવાર ડેટા અનુસાર, કેન્દ્ર સરકારનું ધ્યાન ત્રીજા ડોઝના વ્યાપને વધારવાનું છે. ત્રીજો ડોઝ લેવા પાત્ર વસ્તીના 27-28 ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. સરકારે લોકોને ત્રીજો ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે પણ ઘણા પગલાં લીધાં છે. ગયા વર્ષે જુલાઈમાં, આરોગ્ય મંત્રાલયે એક અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર 75 દિવસ માટે સરકારી દવાખાનામાં ત્રીજો બૂસ્ટર ડોઝ વિનામૂલ્યો આપવામાં આવ્યો હતો.

દેશમાં ફેલાતો XBB.1.5નો પ્રકાર

ભારતીય SARS-COV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) એ તેના બુલેટિનમાં કહ્યું છે કે કોરોના વાયરસનું ઓમિક્રોન સ્વરૂપ અને તેમાંથી બનેલા અન્ય સ્વરૂપો ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. જેમાં XBB મુખ્ય છે. બુલેટિન મુજબ BA.2.75 અને BA.2.10 વેરિઅન્ટ પણ ફેલાતા હતા પરંતુ ઓછા પ્રમાણમાં. બુલેટિન મુજબ, BA.2.75 એ વાયરસનું વ્યાપક સ્વરૂપ છે, ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતમાં. જો કે, આ સમયગાળા દરમિયાન ગંભીર બીમારી કે હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. એ રાહતના સમાચાર છે.