
જમ્મુમાં બુધવારે મોડી સાંજે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ શહેરના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ અચાનક તેમની નજીક પહોંચ્યો અને બંદૂક તાકી ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો. જોકે સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક સતર્કતા દાખવી હુમલાખોરને કાબૂમાં લઈ લીધો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.
પોલીસે હુમલાખોરની ઓળખ કમલ સિંહ જામવાલ તરીકે કરી છે. આશરે 63 વર્ષનો કમલ સિંહ જમ્મુના પુરાણી મંડી વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે પુરાણી મંડીમાં એક દુકાન ચલાવે છે. પોલીસે તેની પાસેથી લાઇસન્સવાળી પિસ્તોલ જપ્ત કરી છે, જેનાથી તેણે અબ્દુલ્લા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની પૂછપરછ દરમિયાન આરોપીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેના જણાવ્યા મુજબ તે લગભગ છેલ્લા 20 વર્ષથી ફારુક અબ્દુલ્લા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. બુધવારે સાંજે તેને ખબર પડી કે અબ્દુલ્લા તેના પિતરાઈ ભાઈના પુત્રના લગ્ન સમારોહમાં હાજરી આપવા આવવાના છે. આ માહિતી મળતા તેણે સ્થળે પહોંચીને હુમલો કરવાની યોજના અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષા કર્મચારીઓની ઝડપી કાર્યવાહીથી તે પોતાના ઇરાદામાં સફળ થઈ શક્યો નહોતો.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. સ્થળને ઘેરીને તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોરના હેતુ તેમજ તેની પાછળ કોઈ મોટી સાજિશ તો નથી ને તે દિશામાં તપાસ ચાલી રહી છે.
ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેઓ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીના પ્રમુખ છે અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમના પિતા શેખ અબ્દુલ્લા પણ રાજ્યના પ્રખ્યાત નેતા અને મુખ્યમંત્રી રહ્યા હતા, જ્યારે તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા પણ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ફારુક અબ્દુલ્લાને ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. તેમ છતાં હુમલાખોર તેમની નજીક સુધી પહોંચી ગયો હોવાના કારણે સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં પોલીસે આરોપીને કસ્ટડીમાં રાખીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો-Fuel-Gas Crisis: LPGની કમી પછી હવે શું PNG સંકટ આવશે ? આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
Published On - 8:54 am, Thu, 12 March 26