દેશના દક્ષિણી રાજ્યોમાં અવિરત વરસાદથી રાહત મળવાની હાલ કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી કેરળમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, આગામી પાંચ દિવસ દરમિયાન તમિલનાડુ, કરાઈકલ, પુડુચેરી અને દક્ષિણ કર્ણાટકના આંતરીક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, દિલ્હી NCRના વિસ્તારોમાં થોડા દિવસો સુધી ધુમ્મસ ચાલુ રહી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, થાઈલેન્ડના અખાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તેની દક્ષિણ આંદામાન સમુદ્ર સુધી અસર વર્તાય તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, શનિવાર સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્રમાં એક નવું લો પ્રેશર આકાર પામે તેવી શક્યતા છે. જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 15 નવેમ્બરના રોજ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. આના કારણે હવામાનમાં વ્યાપક ફેરફાર સર્જાઈ શકે છે.
તમિલનાડુના ઉતરમાં દરીયાકાંઠા અને તેની આસપાસના વિસ્તારો પરનું ડિપ્રેશન નબળું પડીને લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે છેલ્લા 24 કલાક દરમિયાન તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. એટલું જ નહીં, દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગમાં, તટીય ઓરિસ્સા અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળ્યો છે. બીજી તરફ, પવનની ગતિ ધીમી થવાને કારણે દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં રહ્યું. અને ધુમ્મસ છવાયેલ રહેવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, હવામાનમાં ફેરફારોને કારણે, 13 થી 15 નવેમ્બર દરમિયાન, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, 14 નવેમ્બરે અલગ-અલગ સ્થળોએ વધુ ભારે વરસાદની સંભાવના છે. સાથોસાથ, પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી ધુમ્મસ છવાયેલુ રહેશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ