ગોવાના જંગલમાં એક સપ્તાહથી સતત આગ લાગી રહી છે. આ આગ સતત વધી રહી છે. તેને બુઝાવવા માટે એરફોર્સના હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા 12 દિવસથી લાગેલી આગને કાબૂમાં લેવા માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાએ તેના બે Mi-17 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે, વાયુસેનાના અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, હેલિકોપ્ટરે 4 ઉડાન ભરી અને અસરગ્રસ્ત વિસ્તાર પર 48600 લિટર પાણી રેડ્યુ અને હાલ આગ ઓલવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા 11 દિવસમાં 48 સ્થળોએ આગની ઘટનાઓ સામે આવી છે. જેમાં 31 સરકારી જંગલોમાં, પાંચ ખાનગી વિસ્તારમાં, બે ખાનગી જંગલોમાં, એક સામુદાયિક વન વિસ્તારમાં અને ત્રણ DFDC જંગલોમાં આવ્યા છે. જેમાં સાત જગ્યાએ આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તો આ તરફ પર્યાવરણ મંત્રાલયે કહ્યું હતુ કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રએ 5 માર્ચ પછી આગની તમામ ઘટનાઓની તપાસના આદેશ આપ્યા છે. ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે 24×7 મોનિટરિંગ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ મોટી ઇકોસિસ્ટમ અને વન્ય પ્રાણીના નુકસાનની જાણ કરવામાં આવી નથી.
Published On - 8:14 am, Mon, 13 March 23