
હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પાર્ટીઓ 5 રાજ્યમાં ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. ચૂંટણીમાં પ્રચાર માટે વડાપ્રધાન મોદીથી લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સહિતના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. પોતાની સભાઓમાં બીજા પક્ષ અને તેમના નેતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવામાં કોઈ નેતા પાછળ રહેતા નથી. આ પ્રકારની નિવેદનબાજી પર પ્રતિબંધ લગાવવા માટે ચૂંટણી પંચે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે અને પ્રિયંકા ગાંધી વાડ્રા અને આમ આદમી પાર્ટીને કારણદર્શક નોટિસ ફટકારી છે.
મધ્યપ્રદેશમાં વડાપ્રધાન મોદી પર આપેલા વાંધાજનક નિવેદન મામલે ચૂંટણી પંચે પ્રિયંકા ગાંધી વાડ્રાને નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે કારણ દર્શક નોટિસમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને 16 નવેમ્બરના રાત્રે 8 વાગ્યા સુધીમાં આ ખુલાસો કરવા કહ્યું છે કે આખરે તેમની વિરૂદ્ધ આચારસંહિતાના ઉલ્લંઘનને લઈ એક્શન કેમ ના લેવામાં આવે.
ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર વડાપ્રધાન મોદી વિરૂદ્ધ કરેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓ માટે કારણ દર્શક નોટિસ જાહેર કરી છે. આમ આદમી પાર્ટીને પણ 16 નવેમ્બર સુધી આચારસંહિતા ઉલ્લંઘનના આરોપમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચ તરફથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને નોટિસ જાહેર કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે, જે દિલ્હી અને પંજાબમાં સત્તામાં છે.
ભાજપે 10 નવેમ્બરે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને વડાપ્રધાન મોદીને નિશાનો બનાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ અસ્વીકાર્ય અને અનૈતિક વીડિયો ક્લિપ અને ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે આમ આદમી પાર્ટી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.
પ્રિયંકા ગાંધીએ સભામાં કહ્યું હતું કે મોદીજીએ BHL હતુ, જેનાથી લોકોને રોજગાર મળતો હતો અને જેનાથી દેશ આગળ વધી રહ્યો હતો, તેનું તમે શું કર્યુ? મોદીજીને એ જણાવવું પડશે કે તેમને BHL કોને આપી દીધુ. પોતાના મોટા-મોટા ઉદ્યોગપતિ મિત્રોને કેમ આપી દીધી.