નેશનલ હેરાલ્ડ (National Herald) અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાહુલ ગાંધીની (Rahul Gandhi) કરેલી પુછપરછ બાદ હવે ઈડી કોંગ્રેસના (Congress) વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) આજે ગુરુવારે પૂછપરછ કરશે. ઈડી દ્વારા હાથ ધરાયેલ પૂછપરછને કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય બદલો ગણીને કોંગ્રેસ પાર્ટી રસ્તા પર ઉતરીને વિરોધ કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી વતી દેશવ્યાપી દેખાવો કરવામાં આવશે. સોનિયાની પૂછપરછને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખીને દિલ્હી પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે.
75 વર્ષીય સોનિયા ગાંધીને અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 8 જૂને હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી તેમને 23 જૂને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ. બીજું સમન્સ કોંગ્રેસના વચગાળાના પ્રમુખને 23 જૂન માટે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ સોનિયા ગાંધી તે તારીખે હાજર થઈ શક્યા ન હતા. તે સમયે, કોરોના અને ફેફસાના ચેપને કારણે સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ થયા પછી, ડૉક્ટરોએ તેમને ઘરે આરામ કરવાની સલાહ આપી હતી.
સોનિયા ગાંધીની EDની પૂછપરછના સંદર્ભમાં, કોંગ્રેસ નેતાઓએ નિર્ણય કર્યો છે કે પાર્ટી આખા દેશમાં તેનો વિરોધ કરશે. આ સાથે કોંગ્રેસે દેશના વિભિન્ન રાજ્યોમાં આવેલ ED ની ઓફિસનો ઘેરાવ કરવા, ઘણી જગ્યાએ રેલી, ધરણા અને ED ઓફિસ સુધી કૂચ કરવાની યોજના બનાવી છે. મળતી માહિતી મુજબ, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ સોનિયા ગાંધીને ED ઓફિસ સુધી મૂકવા માટે તેમની સાથે જઈ શકે છે, તો બીજી તરફ રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદો સંસદ ભવનથી બસ મારફતે અથવા પગપાળા કૂચ કરે તેવી સંભાવના છે.
EDએ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીના પુત્ર અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પાંચ દિવસ સુધી અનેક સત્રોમાં 50 કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી. ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું. આ તપાસ નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતી કોંગ્રેસ દ્વારા પ્રમોટેડ યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગેરરીતિઓને લગતી છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ નવો કેસ નોંધ્યા બાદ ગયા વર્ષના અંતમાં સોનિયા અને રાહુલની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
સોનિયા ગાંધીની ઈડી દ્વારા કરાનાર પૂછપરછના મુદ્દે કોંગ્રેસ આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હીમાં ગુરુવારના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પોલીસે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક એલર્ટ પણ જાહેર કર્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ મોડી રાત્રે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક યોજી હતી અને ગુરુવાર માટેની વ્યૂહરચના અંગે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ હાજરી આપી હતી.