45 વર્ષથી મોટી ઉમરના લોકો માટે કોવિશીલ્ડ વેક્સિનના ( Covishield vaccine ) બે ડોઝ વચ્ચે સમયનું અંતર ઓછુ કરી શકાય તેમ છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરી રહી છે. અને આગામી બેથી ચાર સપ્ચાહમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે. કોવિડ19 વર્કિગ ગ્રુપના ડોકટરના જણાવ્યાનુસાર, આ અંગેનો આખરી નિર્ણય વૈજ્ઞાનિક પૂરાવાઓના આધારે લેવાશે.
અત્યારે બે ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહનો છે સમય
હાલમાં કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12થી 16 સપ્તાહ રાખવામાં આવ્યુ છે. ભારતમાં જ્યારે વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ ત્યારે કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 4થી 6 સપ્તાહ રાખવામાં આવ્યુ હતું. ત્યાર બાદ તે વધારીને 4 થી 8 સ્પતાહનું કરાયુ હતું. અને છેલ્લે કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે સમય અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરવામાં આવ્યો છે.
સમયગાળો વધારવા સામે કરાયો હતો વિરોધ
જો કે કોરોનાની રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવામાં આવ્યો ત્યારે તેનો વિરોધ કરાયો હતો. કેટલાક લોકો દ્વારા એવી દલિલ કરવામાં આવી હતી કે, દેશમા કોરોનાની રસીની અછતને કારણે બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવામાં આવ્યો છે. જો કે તબીબી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, આંતરરાષ્ટ્રીયસ્તરે વૈજ્ઞાનિકોના પરિક્ષણ બાદ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જેના કારણે શરીરમાં કોરોના વિરોધી એન્ટિબોડી વિકસી શકે.
આ અભ્યાસ બાદ એવુ પણ સામે આવ્યુ હતુ કે, વેક્સિનના પહેલા ડોઝને કારણે બની રહેલી એન્ટિબોડીની ટકાવારીની માત્રા પ્રમાણમાં વધુ હતી. જેના કારણે બીજા ડોઝ માટેનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો. જેથી પહેલા ડોઝ અને બીજો ડોઝ વચ્ચેનો સમયગાળો થોડો લંબાવવામાં આવ્યો હતો.
વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 42982 કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ વિગત અનુસાર, વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 42,982 કેસ સામે આવ્યા છે. જેમાં 533 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જો કે વિતેલા 24 કલાકમામાં 41,726 લોકો કોરોનાની બિમારીથી સાજા થઈ ગયા છે. સાજા થયેલા કોરોનાના દર્દીઓના આંકડાની સાથે સમગ્ર દેશમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,09,74,748 થઈ છે. જ્યારે દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3,18,12,114 થઈ છે. જો કે કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા 4,11,076 નોંધાઈ છે. કોરોનાની બિમારીથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ, 3,09,74,748 અને મૃત્યુ પામનારાઓનો કુલ આંક, 4,26,290 નોંધાયો છે.