Breaking News : દિલ્હી રમખાણ.. IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન દોષિત જાહેર, ચુકાદો સાંભળતાં જ કોર્ટમાં ભાવુક

દિલ્હીની કડકડૂમા કોર્ટે 2020ના દિલ્હી રમખાણો દરમિયાન IB અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, જ્યારે છને નિર્દોષ છોડવામાં આવ્યા છે.

Breaking News : દિલ્હી રમખાણ.. IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન દોષિત જાહેર, ચુકાદો સાંભળતાં જ કોર્ટમાં ભાવુક
| Updated on: Jul 13, 2026 | 7:20 PM

2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં દિલ્હીની કડકડૂમા કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. ચુકાદો સંભળાયા બાદ તાહિર હુસૈન કોર્ટરૂમમાં ભાવુક થઈ ગયો અને રડી પડ્યો હોવાનું સામે આવ્યું છે.

સોમવારે જાહેર થયેલા આ ચુકાદામાં કોર્ટે તાહિર હુસૈન ઉપરાંત નાઝિમ, જાવેદ, કાસિમ અને અનસને પણ દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કુલ 11 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહી હતી, જેમાંથી છ આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

હાલ કોર્ટે સજાની જાહેરાત કરી નથી

કોર્ટે દોષિત આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 365, 188, 153A, 147, 148 અને 149 હેઠળ દોષિત ઠેરવ્યા છે. જોકે, ગુનાહિત કાવતરું (IPC કલમ 120B) સંબંધિત આરોપોમાં તમામને રાહત આપવામાં આવી છે. હાલ કોર્ટે સજાની જાહેરાત કરી નથી. મંગળવારે લેખિત આદેશ જાહેર થયા બાદ સજાના મુદ્દે દલીલો સાંભળવામાં આવશે. ત્યારબાદ કોર્ટ દોષિતોને કેટલી સજા ફટકારવી તે અંગે નિર્ણય લેશે.

આ કેસ 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો દરમિયાન થયેલી અંકિત શર્માની હત્યા સાથે સંબંધિત છે. 26 ફેબ્રુઆરી, 2020ના રોજ તેમનો મૃતદેહ ખજૂરી ખાસ વિસ્તારમાં ચાંદ બાગ નજીક આવેલા નાળામાંથી મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપ મૂકવામાં આવ્યો હતો કે તાહિર હુસૈન અને અન્ય આરોપીઓ ગેરકાયદેસર ટોળાનો ભાગ હતા અને રમખાણો દરમિયાન થયેલી હિંસામાં તેમની સક્રિય ભૂમિકા હતી.

તાહિર હુસૈન સામે IPCની કલમ 505, 109 અને 114 હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યા હતા.

માર્ચ 2023માં કડકડૂમા કોર્ટે તાહિર હુસૈન સહિત 11 આરોપીઓ સામે સત્તાવાર રીતે આરોપો ઘડ્યા હતા. તેમાં IPCની કલમ 147 (રમખાણ), 148 (ઘાતક હથિયાર સાથે રમખાણ), 153A (સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી), 302 (હત્યા) અને 120B (ગુનાહિત કાવતરું) સહિતની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તાહિર હુસૈન સામે IPCની કલમ 505, 109 અને 114 હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યા હતા.

ટ્રાયલ દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે તાહિર હુસૈન પર આરોપ છે કે તેણે ટોળાને હિંસા માટે ઉશ્કેર્યું હતું અને હિન્દુઓને નિશાન બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. જોકે, અંતિમ ચુકાદામાં કાવતરાની કલમ હેઠળ તેને દોષિત ઠેરવવામાં આવ્યો નથી.

બાદમાં સ્થાનિક લોકોએ એક યુવાનનો મૃતદેહ નાળામાં હોવાની જાણ કરી હતી

આ કેસની FIR અંકિત શર્માના પિતા રવિંદર કુમારની ફરિયાદના આધારે 26 ફેબ્રુઆરી, 2020ના રોજ દયાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર, અંકિત શર્મા 25 ફેબ્રુઆરીએ ઘરનો સામાન લેવા માટે બહાર ગયા હતા, પરંતુ પરત ફર્યા નહોતા. બાદમાં સ્થાનિક લોકોએ એક યુવાનનો મૃતદેહ નાળામાં હોવાની જાણ કરી હતી, જ્યાંથી અંકિત શર્માનો મૃતદેહ મળી આવ્યો હતો.

તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે રમખાણો દરમિયાન આરોપીઓએ હિંસા ભડકાવવામાં અને હુમલાની ઘટનામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. લાંબી સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે અનેક સાક્ષીઓ, દસ્તાવેજો અને અન્ય પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યારે બચાવ પક્ષે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

કડકડૂમા કોર્ટનો આ ચુકાદો 2020ના દિલ્હી રમખાણો સાથે જોડાયેલા સૌથી મહત્વપૂર્ણ કેસોમાંનો એક માનવામાં આવી રહ્યો છે. હવે કોર્ટ દોષિત જાહેર કરાયેલા આરોપીઓની સજાને લઈને આગામી સુનાવણી કરશે, જેના બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બદ્રીનાથ દાન ચોરી મામલે મોટી કાર્યવાહી, મુખ્ય આરોપીની કરાઈ ધરપકડ

Follow Us