દિલ્હીમાં (Delhi) સતત ત્રણ દિવસથી વાયુ પ્રદૂષણમાં (Air Pollution) થોડો ઘટાડો થયો છે. આ ઘટાડો જોરદાર પવનોને કારણે નોંધવામાં આવ્યો છે, જેના કારણે હવાની ગુણવત્તા ગંભીરથી અત્યંત ખરાબ શ્રેણી સુધી પહોંચી ગઈ છે. સોમવારે સરેરાશ AQI 390 નોંધાયો હતો, જે ‘વધારે ખરાબ’ શ્રેણીમાં છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે દિવાળીના ફટાકડા અને પરાળ સળગાવવાને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તા છેલ્લા ત્રણ દિવસથી ‘ગંભીર’ સ્તરે નોંધાઈ હતી.
શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI ‘સારું’, 51 અને 100 ‘સંતોષકારક’, 101 અને 200 ‘મધ્યમ’, 201 અને 300 ‘ખરાબ’, 301 અને 400 ‘વધારે ખરાબ’ અને 401 અને 500 ‘ખૂબ ગંભીર’ ગણાય છે.
રવિવારે પડોશી રાજ્યોમાં 5,450 ખેતરોમાં પરાળ સળગાવવાની ઘટનાઓ નોંધાઈ હતી, જે આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હીનું 48 ટકા વાયુ પ્રદૂષણ પરાળ સળગાવવાને કારણે થયું હતું. સોમવારે તે ઘટીને 30 ટકા થઈ ગયો હતો. હવાની ગુણવત્તાની આગાહી કરતી એજન્સી SAFAR અનુસાર, પવનની ઝડપને કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે.
હવા ‘વધારે ખરાબ’ શ્રેણીમાં રહેશે
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પવનની ઝડપ 8 કિમી પ્રતિ કલાકથી 14 કિમી પ્રતિ કલાકની રેન્જમાં હતી. SAFAR એ હવાની ગુણવત્તામાં થોડો સુધારો થવાની આગાહી કરી હતી પરંતુ કહ્યું હતું કે તે હજુ પણ ‘વધારે ખરાબ’ શ્રેણીમાં રહેશે. ગયા વર્ષે, 5 નવેમ્બરના રોજ દિલ્હીના પ્રદૂષણમાં પરાળ સળગાવવાનો હિસ્સો 42 ટકા પર પહોંચી ગયો હતો. 2019 માં, 1 નવેમ્બરના રોજ દિલ્હીના PM2.5 પ્રદૂષણમાં 44 ટકા પરાળ સળગાવવાનો હિસ્સો હતો.
હવાની ગુણવત્તા વધારે ખરાબ અને ગંભીર વચ્ચે રહેશે
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ સોમવારે દિલ્હી-NCRની હવાની ગુણવત્તાની સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે વાયુ પ્રદૂષણમાં પરાળ સળગાવવાનું યોગદાન આગામી પાંચ દિવસ દરમિયાન વધશે અને હવા ગુણવત્તા સૂચકાંક ‘વધારે ખરાબ’ અને ‘ગંભીર’ શ્રેણીઓ વચ્ચે રહેશે. પરિસ્થિતિની સમીક્ષા કરીને, બોર્ડે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોને માર્ગો પર પાણીના છંટકાવની સાથે ગ્રેડેડ એક્શન પ્લાન (GRAP) નું કડક પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.
સંબંધિત એજન્સીઓને સંબંધિત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સમિતિઓને દૈનિક અહેવાલો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. CPCBએ જણાવ્યું હતું કે, સબ-કમિટીએ 8 નવેમ્બરે એક બેઠક બોલાવી હતી અને હવાની ગુણવત્તાની સ્થિતિ, હવામાન અને વાયુ પ્રદૂષણના અંદાજોની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો : ભોપાલઃ કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગતા 4 બાળકોના મોત, મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા