
દિલ્હીમાં એમસીડી ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે મતદાન થશે અને 7 ડિસેમ્બરે પરિણામ આવશે. ચૂંટણીને લઈને આજથી જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. દિલ્હી ચૂંટણી કમિશનરે ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા કહ્યું કે દિલ્હીમાં 70 માંથી 68 વિધાનસભા વિસ્તારમાં મનપાના 250 વોર્ડ ચૂંટણી માટે નક્કી કરવામાં આવ્યા છે. દિલ્હી કેન્ટ અને દિલ્હી વિધાનસભા એમસીડીની બહાર છે . 42 બેઠકો એસસી માટે અનામત છે. 104 બેઠકો મહિલાઓ માટે અનામત છે. એસસી મહિલાઓ માટે 21 બેઠકો અનામત છે. દિલ્હીમાં 1 કરોડ 46 લાખ 73 હજાર મતદારો છે. ચૂંટણી માટે 13 હજાર 635 મતદાન મથકો બનાવવામાં આવશે. બેલેટ પેપર પર ઉમેદવારનો ફોટો પણ હશે.
રાજધાનીમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર પ્રતિબંધ રહેશે. એક ઉમેદવાર ચૂંટણી પ્રચાર પાછળ આઠ લાખનો ખર્ચ કરી શકશે. 7 નવેમ્બર સુધી નોમિનેશનની પ્રક્રિયા ચાલુ રહેશે. સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. જ્યારે ચૂંટણી માટે એક લાખથી વધુ સ્ટાફ હશે, સીનિયર લેવલ પર 11 ડીએમ રિટર્નિંગ ઓફિસર હશે. ઈવીએમ પર ઉમેદવારના ફોટાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 55 હજારથી વધુ ઈવીએમની એફએલસી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ અલગ-અલગ ઝોન ઉત્તર દિલ્હી, પૂર્વ દિલ્હી અને દક્ષિણ દિલ્હીમાં વહેંચવામાં આવી છે. આ ત્રણેય ઝોનને મળીને દર પાંચ વર્ષે પર એમસીડીમાં ચૂંટણી યોજાય છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પહેલા 272 કાઉન્સિલરની બેઠકો હતી, પરંતુ હવે તે ઘટીને 250 કાઉન્સિલરની બેઠકો થઈ ગઈ છે. આ પહેલા ઉત્તર અને દક્ષિણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલરની બેઠકોની સંખ્યા 104-104 હતી. પૂર્વ દિલ્હીમાં 64 બેઠકો હતી, પરંતુ પછી બેઠકોની સંખ્યા ઘટી છે. હવે કાઉન્સિલરની 250 બેઠકો છે. આ સાથે દિલ્હીની 21 વિધાનસભા ક્ષેત્રમાં એક-એક વોર્ડ ઘટાડવામાં આવ્યો છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મેયરની ચૂંટણી કાઉન્સિલર દ્વારા થાય છે. આ પહેલા કાઉન્સિલરની ચૂંટણી માટે મતદાન થાય છે. જે પક્ષ ચૂંટણીમાં વધુ બેઠકો જીતશે, તે પક્ષના મેયર બનવાની શક્યતાઓ પ્રબળ છે. કાઉન્સિલરો ડેપ્યુટી મેયરની પસંદગી કરે છે. એમસીડીમાં જનરલ કેટેગરીના 50 ટકા વોર્ડ મહિલાઓ માટે અનામત રહેશે.
એમસીડી એકીકરણ પછી, હવે અસ્તિત્વમાં આવેલા એમસીડીના વોર્ડની સંખ્યા પહેલા કરતા ઓછી છે. આ સાથે મહાનગરપાલિકાના વોર્ડના નામ અને નંબરો પણ બદલાયા છે. હવે દિલ્હીમાં ત્રણ નહીં પણ એક મેયર હશે. એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર એમસીડી ચૂંટણી પર છે.
એમસીડી ચૂંટણી લઈને ભાજપના દિલ્હી એકમે સંકેત આપ્યો કે તે ઓછામાં ઓછા 60-70 ટકા વોર્ડ પર તેના આઉટગોઈંગ કાઉન્સિલરોને ફરીથી મેદાનમાં ઉતારશે નહીં. કોંગ્રેસને કોર્પોરેશનની ચૂંટણી માટે 1,000 થી વધુ રસ ધરાવતા ઉમેદવારોની અરજીઓ મળી છે. કોંગ્રેસના દિલ્હી એકમના અધ્યક્ષ અનિલ કુમારે કહ્યું કે તેમની પાર્ટી એમસીડી ચૂંટણી માટે તૈયાર છે અને પાર્ટીના ચૂંટણી સિમ્બોલ પર લડવા માટે કાર્યકર્તાઓમાં ઉત્સાહની લહેર છે.
આમ આદમી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી એમસીડી ચૂંટણીમાં જીતવાની સંભાવના ધરાવતા યોગ્ય ઉમેદવારો શોધવા માટે એક સર્વે પણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ત્રણ મુખ્ય પક્ષો ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એમસીડીના 250 વોર્ડની ચૂંટણી માટે તેમની રણનીતિ અને ઉમેદવારોની પસંદગી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
Published On - 5:17 pm, Fri, 4 November 22