એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પોલિસીમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓની રૂ. 52 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ દરમિયાન AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું છે કે, જો પીએમને સિસોદિયા વિરુદ્ધ કંઈ ન મળ્યું તો તેમણે ED દ્વારા તેમને બદનામ કરવાનું શરૂ કરી દીધું છે.
સીએમ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ED, આજે સાંજથી ટીવી ચેનલો પર ખોટા સમાચાર ચલાવી રહી છે કે મનીષ સિસોદિયાની 52 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘ED દ્વારા ખરેખર જપ્ત કરવામાં આવેલી સંપત્તિના કાગળો અહીં છે. 80 લાખની કુલ મિલકત જપ્ત કરવામાં આવી છે, તે પણ 2018 પહેલાંની, જ્યારે એક્સાઇઝ નીતિ ઘડવામાં આવી ના હતી. સમગ્ર મિલકત એક નંબરની છે. લોકોએ ક્યારેય વિચાર્યું ના હતું કે એક દિવસ એવો આવશે જ્યારે ભારત જેવા મહાન દેશને એવા વડાપ્રધાન મળશે જે આ રીતે ખુલ્લેઆમ ખોટું બોલીને પોતાના રાજકીય હરીફોને ખતમ કરવાનો પ્રયાસ કરશે. તમે પણ જાણો છો કે અસલી ભ્રષ્ટાચારીઓ કોણ છે. જો તમારામાં હિંમત હોય તો તેમને પકડીને બતાવો.
જ્યારે, દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું કે ભાજપ અને કેન્દ્ર સરકાર મનીષ સિસોદિયા વિશે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. એક્સાઈઝ કેસમાં મનીષ સિસોદિયાની જપ્ત કરવામાં આવેલી સંપત્તિ અંગે 3 જુલાઈના EDના આદેશમાં કહેવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયાના બેંક ઑફ બરોડાના ખાતામાં 11 લાખ રૂપિયા હતા. આ સાથે બે ફ્લેટ જપ્ત કર્યાની પણ ચર્ચા છે.
તેમનું કહેવું છે કે ED અનુસાર, 2005માં જે ગાઝિયાબાદ ફ્લેટ ખરીદાયો હતો તેની કિંમત 5 લાખ હતી અને દિલ્હી ફ્લેટ 2018માં ખરીદ્યો હતો. તેની કિંમત 65 લાખ રૂપિયા છે. આ બંને ફ્લેટ એક્સાઈઝ પોલિસીના ઘણા સમય પહેલા ખરીદવામાં આવ્યા હતા, જો બધી સંપત્તિઓ ઉમેરીએ તો કુલ રકમ 81 લાખ થાય છે, જ્યારે કરોડો રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાનું જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે, કારણ કે ભાજપ જાણે છે કે તે આમ આદમીના નેતા છે. જે જેલમાં ગયા પછી પણ તેઓ તૂટ્યા ન હતા અને ભાજપમાં જોડાયા ન હતા.
Published On - 11:03 pm, Fri, 7 July 23