
Cyclone Akvan: બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાનું સંકટ ઓડિશા-આંધ્રપ્રદેશ પર મંડળાઈ રહેલું હતું. જેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં મળતી માહિતી અનુસાર અકવાન વાવાઝોડું નબળું પજ્યું છે. આ ચક્રવાત ગંભીરમાંથી હવે સામાન્ય ચક્રવાતમાં ફેરવાઈ ગયુ છે. જેની તીવ્રતામાં ઘટાડો તો થયો છે છતા ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ યથાવત છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ બંન્ને રાજ્યોમાં ભારે પવન અને ધોધમાર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 20 નવેમ્બરે આ વાવાઝોડું ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને ગોપાલપુર (Gopalpur) નજીક પાર કરી શકે છે. આ સમય દરમિયાન તેની ઝડપ 70થી 80 કિલોમીટરની રહે તેવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.
પ્રાપ્તથતી માહિતી અનુસાર 20 નવેમ્બરની મધરાત્રે એટલે 2.30 વાવાઝોડું પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં સક્રિય હતું. તે છેલ્લા છ કલાક દરમિયાન 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું. તે સમયે વાવાઝોડાનું કેન્દ્ર આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમથી આશરે 110 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં અને ઓડિશાના ગોપાલપુરથી 170 કિલોમીટર દક્ષિણમાં હતું.
અકવાન વાવાઝોડાના કારણે કોઈ મોટું નુકસાન ન જાય તે માટે પહેલાથી સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા છે. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે બંન્ને રાજ્યોના દરિયાકિનારાના વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવામાન વિભાગે આપેલી સેટેલાઈટ નિરીક્ષણમાં વાવાઝોડા સાથે જોડાયેલાં વાદળો દરિયાકાંઠા તરફ આગળ વધતાં જોવા મળ્યાં છે.
વાવાઝોડાના જોખને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે સુરક્ષા વ્યવસ્થા કરી છે. જેમાં દરિયાકિનારાના વિસ્તારોમાં વસવાટ કરતા 3 લાખ જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ગુરુવાર સાંજ સુધીમાં રાજ્યમાં લગભગ 2.98 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે 423 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 2,523 રાહત શિબિરો અને 9,341 ચક્રવાત આશ્રયસ્થાનો તૈયાર રાખવામાં આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર વાવાઝોડાના સંકટના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર જોવા મળી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. વહીવટીતંત્ર અને હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Cyclone Akvan : અર્નબ, મુરસુ બાદ હવે અકવાન! બંગાળની ખાડીમાં કેમ સર્જાઈ રહી છે આફત?