કોવિશીલ્ડ વેક્સિન લેનારાને યુરોપમાં નો એન્ટ્રી, વેક્સિન પાસપોર્ટમાં કોવિશીલ્ડને માન્યતા નહીં

|

Jun 28, 2021 | 6:18 PM

European Medicines Agency તરફથી હાલ માત્ર ચાર કોવિડ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ફાઈઝર, મોડર્ના, એસ્ટ્રાજેનેકા અને જોહન્સન એન્ડ જોહન્સનનું નામ સામેલ છે.

કોરોના (Corona) સામે રસી જ રક્ષક બની રહી છે અને ભારત રસીકરણમાં અવ્વલ છે. ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન (Vaccination) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશના મોટાભાગના લોકો સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ (Covishield) વેક્સિન લઇ રહ્યાં છે. જો કે હજુ કોવિશીલ્ડને ઘણા દેશો દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.

આ વિશે જ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા કે કોવિશીલ્ડ વેક્સિન લેનારી વ્યક્તિ યુરોપીય સંઘના ગ્રીન પાસ અથવા વેક્સિન પાસપોર્ટ માટે યોગ્ય નથી. મહત્વનું છે કે વેક્સિન પાસપોર્ટ માટે 1 જુલાઈથી વેક્સિનેશન સર્ટિફિકેટનો ઉપયોગ થવાનો છે. EU ના ઘણા સભ્ય દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આપવાનું શરૂ કરી દીધું છે, જે યુરોપિયન લોકોને યાત્રા માટે સ્વતંત્ર રીતે આવવા-જવાની મંજૂરી આપે છે.

મુસાફરી કરનારી વ્યક્તિ માટે વેક્સિન પાસપોર્ટ એ વાતનો પુરાવો છે કે, તે વ્યક્તિએ વેક્સિન લઈ લીધી છે. જોકે આ પહેલાં EU એ કહ્યું હતું કે સભ્ય દેશોએ એ વાતની ચિંતા કર્યા વગર વેક્સિન પાસપોર્ટ આપવો જોઈએ કે તેણે કઈ વેક્સિન લીધી છે.

European Medicines Agency તરફથી હાલ માત્ર ચાર કોવિડ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ફાઈઝર, મોડર્ના, એસ્ટ્રાજેનેકા અને જોહન્સન એન્ડ જોહન્સનનું નામ સામેલ છે. એટલે કે માત્ર આ ચારમાંથી કોઈ વેક્સિન લીધી હોય તો જ તે વ્યક્તિ યુરોપની મુસાફરી કરી શકે છે. પુણેમાં SII દ્વારા બનાવવામાં આવેલી એસ્ટ્રાજેનેકા કોવિશીલ્ડને યુરોપ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. જોકે કોવિશીલ્ડને WHO તરફથી મંજૂરી આપવામાં આવી છે.

આ સમગ્ર વિવાદ વિશે SII ના CEO આદર પૂનાવાલાએ કહ્યું કે, મને ખ્યાલ છે કે ભારતમાં બહુ મોટી સંખ્યામાં લોકોએ કોવિશીલ્ડ વેક્સિન લીધી છે, તેથી યુરોપ જતા ઘણા લોકોને હાલ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ અમે હાઈ લેવલ સુધી આ મુદ્દાને લઈ જઈશું અને બહુ ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું.

યુરોપીય સંઘ તે લોકો માટે ‘જોઈન્ટ ડિજિટલ સર્ટિફિકેટ’ પર કામ કરે છે જેમને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે અથવા જેમણે હમણાં જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે અથવા તેઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે. આવા લોકોને યુરોપીય સંઘ તરફથી ફ્રી સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે, જેમાં સુરક્ષા સુવિધાઓની સાથે એક ક્યુઆર કોડ પણ હશે. આ સર્ટિફિકેટ હોવાથી લોકોને યુરોપીય દેશોમાં યાત્રા કરવામાં સરળતા રહેશે.

Next Video