દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસના (Corona virus in Delhi) કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 21,259 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 23 દર્દીઓના મોત થયા છે (Death by Corona in Delhi). સાત મહિના બાદ દિલ્હીમાં આટલી મોટી સંખ્યામાં મૃત્યુ નિપજ્યાના કેસ જોવા મળ્યા છે. આ પહેલા ગયા વર્ષે 16 જૂને 25 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં કોરોનાના 74,881 સક્રિય કેસ (Corona Active case in Delhi) છે. તેમાંથી 50,796 લોકો હોમ આઇસોલેશનમાં છે. પોઝિટિવિટી દર પણ વધીને 25.65 ટકા થયો છે. એટલે કે દરેક ચોથો ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 82,884 લોકોની તપાસ કરવામાં આવી છે. જ્યારે 12,161 દર્દીઓ સાજા થયા છે.
સોમવારે દિલ્હીના આંકડાઓ જોતા એવું લાગતુ હતુ કે દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. પરંતુ મંગળવારના આંકડાએ ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હીમાં કોરોનાના કેસ હજુ પણ વધી રહ્યા છે. સોમવારે કોરોનાના 19,166 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારે 22,751 નવા કેસ નોંધાયા હતા. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ નવા કેસ આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા વધીને કુલ 1,590,155 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1,490,074 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે દિલ્હીમાં 25,200 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દિલ્હીમાં રસીકરણની ઝડપ
દિલ્હીમાં કોરોના સામેની લડાઈમાં ઝડપી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 197,617 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 112,940 લોકો એવા છે જેમને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 65,819 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જયારે, 15-17 વર્ષની વયના 51,894 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. દિલ્હીમાં અત્યાર સુધીમાં 302,978 બાળકોને રસી આપવામાં આવી છે.
દિલ્હીમાં તમામ ખાનગી કચેરી બંધ
દિલ્હીમાં કોરોના સંક્રમણના મામલાઓને જોતા DDMAએ મંગળવારે મોટો નિર્ણય લીધો છે અને તમામ ખાનગી ઓફિસો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ફક્ત આવશ્યક સેવાઓથી સંબંધિત ખાનગી ઓફિસોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આદેશમાં ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. તમામ રેસ્ટોરન્ટ અને બાર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. DDMA કોરોનાની ઝડપને જોતા નિયંત્રણો વધુ કડક કરી શકે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ