યુક્રેન (Ukraine) પર રશિયાના હુમલા બાદ, ભારત તેના ફસાયેલા નાગરિકોને બચાવવા માટે કામગીરી તેજ કરી રહ્યું છે. યુક્રેનની એરસ્પેસ બંધ કર્યા પછી, ભારત રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા સાથેની સરહદ ચોકીઓ દ્વારા ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેઓ માત્ર દેશનું ધ્યાન ભટકાવે છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘આપણા દેશને કાર્યવાહીની જરૂર છે. પીએમ માત્ર ધ્યાન ભટકાવે છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે રોમાનિયાની રાજધાની બેકારેસ્ટથી 198 ભારતીય નાગરિકોને લઈને ચોથી ફ્લાઈટ રવિવારે ભારત જવા રવાના થઈ છે. શનિવારે સાંજે 219 ભારતીય નાગરિકોને લઈને પહેલી ફ્લાઈટ બુકારેસ્ટથી મુંબઈ પહોંચી હતી.
250 નાગરિકોને લઈને બીજી ફ્લાઈટ રવિવારે વહેલી સવારે દિલ્હી પહોંચી હતી. લગભગ 240 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની ત્રીજી ફ્લાઈટ હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી દિલ્હી માટે રવાના થઈ હતી. ભારતે આ ઈવેક્યુએશન ઓપરેશનને ‘ઓપરેશન ગંગા’ નામ આપ્યું છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાઓ જાણી કેન્દ્ર સરકારને તેમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢવાની અપીલ કરી હતી. ગાંધીએ કર્ણાટકના કેટલાક ભારતીય વિદ્યાર્થીઓનો વીડિયો શેર કર્યો છે જેઓ યુક્રેનના બંકરમાં ફસાયેલા છે. રશિયાની સેનાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકરને પણ પત્ર લખીને યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોને પરત લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી.
યુક્રેનમાં ફસાયેલી બે ભારતીય વિદ્યાર્થિનીઓનો વીડિયો શેર કરતાં ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, બંકરમાં ભારતીય વિદ્યાર્થીઓનું આ દ્રશ્ય હેરાન કરનારું છે. ઘણા વિદ્યાર્થીઓ પૂર્વ યુક્રેનમાં ફસાયેલા છે, જ્યાં ભયાનક હુમલો થઈ રહ્યો છે. હું તેમના ચિંતિત પરિવાર સાથે છું. હું ફરી એકવાર ભારત સરકારને અપીલ કરું છું કે તેઓ તેમને તાત્કાલિક પરત લાવે.
ગાંધી અને તેમનો પક્ષ યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને બચાવવા માટે ઝડપી પગલાં લેવા સરકારને વિનંતી કરી રહ્યા છે. કોંગ્રેસે શનિવારે આરોપ લગાવ્યો હતો કે ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે અને ઘરે પરત ફરવા માટે બેચેન છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.
Published On - 6:03 pm, Sun, 27 February 22