CBIના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, 22842 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસમાં ABG શિપયાર્ડના ડિરેક્ટરો વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOCs) જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ, સીબીઆઈએ દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમમાંથી 22,842 કરોડથી વધુની કથિત છેતરપિંડીના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો. દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસને લઈને જબરદસ્ત હંગામો થયો છે. આ છેતરપિંડી સામે આવ્યા બાદ કોંગ્રેસ મોદી સરકાર પર આક્રમક બની છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સ્ટેટ બેંકે નવેમ્બર 2018માં સીબીઆઈને ફરિયાદ કરી હતી કે, એબીજી શિપયાર્ડ વતી મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે. આવી સ્થિતિમાં કંપની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. ફરિયાદ હોવા છતાં, સીબીઆઈએ કાર્યવાહી કરી ન હતી અને તે ફાઇલ એસબીઆઈને પરત મોકલવામાં આવી હતી.
કોંગ્રેસે ફેબ્રુઆરી 2018માં જ આ મામલો ઉઠાવ્યો હતો, પરંતુ સરકારે તેના પર ધ્યાન આપ્યું ન હતું. જણાવી દઈએ કે, આ ફ્રોડમાં એક-બે નહીં પરંતુ 28 બેંકો સાથે છેતરપિંડી થઈ છે. જણાવી દઈએ કે, 28 બેંકોના કન્સોર્ટિયમની લીડર ICICI બેંક હતી. બીજી લીડ IDBI બેંક હતી, પરંતુ SBI દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સ્ટેટ બેંકે પહેલીવાર નવેમ્બર 2018માં સીબીઆઈમાં કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પીએમ મોદીએ ખુલાસો કરવો જોઈએ કે કઈ રીતે બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ: કોંગ્રેસ
કોંગ્રેસે સોમવારે ગુજરાતના એબીજી શિપયાર્ડ દ્વારા 22,842 કરોડની કથિત છેતરપિંડી અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમજાવવું જોઈએ કે છેતરપિંડી કેવી રીતે થઈ અને તેઓ તેના પર શા માટે મૌન હતા. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે દાવો કર્યો હતો કે, એબીજી શિપયાર્ડ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી અંગે સરકારને પાંચ વર્ષ પહેલા ખબર પડી હતી, પરંતુ સરકારે પાંચ વર્ષ સુધી કોઈ પગલાં લીધા ન હતા.
દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શું કરી રહ્યું છે – રાઉત
શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું કે, જો મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે, તો મહારાષ્ટ્ર સરકાર માટે તપાસ એજન્સીને સહયોગ કરવો જરૂરી છે. શિવસેનાના મુખ્ય પ્રવક્તા રાઉતે એવો પણ પ્રશ્ન કર્યો હતો કે, શું કેન્દ્રીય તપાસ એજન્સી ગુજરાતમાં “સૌથી મોટી બેંક ફ્રોડ”ની પણ તપાસ કરશે. રાઉતે કહ્યું, “અમે એ પણ જોવા માંગીએ છીએ કે દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શું કરી રહ્યું છે.” કોણ છે તે લોકો, જેઓ છેલ્લા બે વર્ષથી આ છેતરપિંડીના કેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમણે એફઆઈઆર પણ નોંધવા ન દીધી. કાવતરાખોરો દેશમાંથી કેવી રીતે ભાગી ગયા?’