
સુપ્રીમ કોર્ટ (Supreme Court) 15 વર્ષથી વધુ ઉંમરની સગીર મુસ્લિમ છોકરીના લગ્ન પર રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. વાસ્તવમાં, પંજાબ-હરિયાણા હાઈકોર્ટે (Punjab and Haryana High Court) 15 વર્ષથી વધુ ઉંમરની છોકરીને 21 વર્ષના છોકરા સાથે લગ્ન કરવાની મંજૂરી આપતા કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ છોકરીની ઉંમર લગ્નપાત્ર છે. જેથી તે લગ્ન કરી શકે. NCPCRએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટ આ મામલે 9 નવેમ્બરે સુનાવણી કરશે.
જસ્ટિસ એસ.કે. કૌલ અને અભય એસ. ઓકાની બેન્ચે આજે સુપ્રીમ કોર્ટમાં નોટિસ જાહેર કરી હતી. કોર્ટને મદદ કરવા માટે, વરિષ્ઠ વકીલ રાજશેખર રાવને આ મામલે ન્યાય મિત્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. NCPCR તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે. તેમણે ચુકાદામાં કરાયેલી ટિપ્પણીઓ પર સ્ટે માંગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે આ મુદ્દાની તપાસ કરશે અને આ મામલાની સુનાવણી 7 નવેમ્બરે નક્કી કરી છે.
NCPCR તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સવાલ ઉઠાવ્યો કે, શું હાઈકોર્ટ આવો આદેશ આપી શકે છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલાની તપાસ કરીશું. આયોગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં કહ્યું છે કે, હાઈકોર્ટનો આ નિર્ણય બાળ લગ્ન નિષેધ અધિનિયમ અને પોક્સો એક્ટનું ઉલ્લંઘન છે.
આ આદેશ બાળ લગ્નને મંજૂરી આપે છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આ આદેશ આપ્યા બાદ મુસ્લિમ દંપતીએ મુસ્લિમ રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા, તેઓએ પોતાની સુરક્ષા માટે પ્રોટેક્શન પિટિશન દાખલ કરી હતી. જેની સુનાવણી બાદ હાઈકોર્ટે નિર્ણય સંભળાવ્યો.
જસ્ટિસ સંજય કિશન કૌલની ખંડપીઠ સમક્ષ એસજી તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, અમે યુવતીને આપવામાં આવેલા પ્રોટેક્શન ઓર્ડરની વિરુદ્ધ નથી. પરંતુ શું અદાલત દંડની જોગવાઈઓ વિરુદ્ધ આદેશો પસાર કરી શકે છે? તેના પર જસ્ટિસ કૌલે કહ્યું કે, આ મામલે વિચાર કરવો પડશે. આ કાયદાનો પ્રશ્ન છે જેના પર વિચાર કરવાની જરૂર છે. અમે આ મામલે કોર્ટને મદદ કરવા માટે રાજશેખર રાવને ન્યાય મિત્ર તરીકે નિયુક્ત કરીએ છીએ.
Published On - 6:45 pm, Mon, 17 October 22