ભાજપમાંથી આવ્યો ફોન, કહ્યુ AAP તોડો અને અમારી સાથે આવો, ED, CBIનો કેસ બંધ કરાશે, પણ હું રાજપૂત છું… – સિસોદિયા

ગુજરાત જતા પહેલા સિસોદિયાએ કહ્યું, 'મને ભાજપનો સંદેશ મળ્યો છે - AAP તોડો અને ભાજપમાં જોડાઓ, CBI અને EDના તમામ કેસ બંધ કરાવીશું. ભાજપને મારો જવાબ- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું. હું માથું કાપી નાખીશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં.

ભાજપમાંથી આવ્યો ફોન, કહ્યુ AAP તોડો અને અમારી સાથે આવો, ED, CBIનો કેસ બંધ કરાશે, પણ હું રાજપૂત છું... - સિસોદિયા
Manish Sisodia, Deputy Chief Minister, Delhi
| Edited By: | Updated on: Aug 22, 2022 | 11:17 AM

મનીષ સિસોદિયા આજે ગુજરાત જવા રવાના થયા તે પૂર્વે આક્ષેપ કરતા કહ્યું કે, ‘મને ભાજપનો સંદેશ મળ્યો છે – AAP તોડો અને ભાજપમાં જોડાઓ, CBI અને EDના તમામ કેસ બંધ કરાવીશું. પરંતુ ભાજપને મારો જવાબ છે કે- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું. હું માથું કાપી નાખીશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવું હોય તે કરો. મનીષ સિસોદીયા (Manish Sisodia), અરવિંદ કેજરીવાલ સાથે બે દિવસીય ગુજરાત પ્રવાસ (Gujarat Visit) પર જઈ રહ્યા છે. ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન, દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા એક સભાને સંબોધશે અને વર્ષના અંતમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Elections) ધ્યાનમાં રાખીને યુવાનો સાથે રોજગાર અને શિક્ષણના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

તેમણે કહ્યું, ‘ગુજરાતની જનતા કેજરીવાલને તક આપવા માંગે છે. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને મોંઘવારી માટે ભાજપ કંઈ કરી શકી નથી. હવે અમે તેમને બતાવીશું.

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત એકમના મહાસચિવ મનોજ સોરઠિયાએ એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલ અને દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા હિંમતનગર અને ભાવનગરમાં લોકોને મળશે.

દિલ્લીની આબકારી નીતિમાં કથિત ભ્રષ્ટાચાર અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સિસોદિયા સામે એફઆઈઆરની નોંધણીના વિવાદ વચ્ચે આ મુલાકાત છે. જો કે સીબીઆઈએ દરોડા પાડ્યા તે પૂર્વે આ મુલાકાતનો કાર્યક્રમ નક્કી થયો હતો.

સોમવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ કેજરીવાલ અને સિસોદિયા રાજ્યમાં તેમના કાર્યક્રમ પહેલા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. સોરઠીયાએ જણાવ્યું હતું કે કેજરીવાલ સોમવારે હિંમતનગરમાં ટાઉન હોલ સભાને સંબોધશે, જ્યાં તેઓ ગુજરાતના લોકો માટે મહત્વની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.

નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મહિનામાં કેજરીવાલની ગુજરાતની આ ચોથી મુલાકાત હશે. સોરઠીયાએ જણાવ્યું હતું કે, મંગળવારે કેજરીવાલ અને સિસોદિયા ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષણ અંગે ચર્ચા કરશે. ગુજરાતમાં વર્ષ 2022ના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.