કર્ણાટકમાં નવી સરકાર બન્યા બાદ હવે કેબિનેટ વિસ્તરણને લઈને કોંગ્રેસના બે જૂથ વચ્ચે ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર બંનેએ ગઈકાલથી દિલ્હીમાં અડીંગો જમાવ્યો છે. સૂત્રોનું માનીએ તો, કર્ણાટક કેબિનેટ વિસ્તરણની કવાયત પણ 19 મેના રોજ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચેના કોને લેવા અને કોને ના લેવા તે મામલે ભારે મતભેદોને કારણે કેબિનેટ વિસ્તરણની કવાયત આગળ વધી શકી ન હતી. જે બાદ હવે કેબિનેટ વિસ્તરણની કવાયતનો મુદ્દો કોંગ્રેસ હાઈકમાન્ડની કોર્ટમાં આવી ગયો છે.
કર્ણાટકમાં સિદ્ધારમૈયા કેબિનેટમાં હાલમાં 8 મંત્રીઓ છે. અત્યારે ઓછામાં ઓછા 25 ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે. જો સૂત્રોનું માનીએ તો ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેમના જૂથના ધારાસભ્યોની સંખ્યા કેબિનેટમાં વધુ હોય જેથી નિર્ણય લેવામાં અને સરકાર ચલાવવામાં ઓછામાં ઓછી મુશ્કેલી પડે.
ગઈકાલ એટલે કે બુધવારથી દિલ્હીમાં ધામા નાખી ચૂકેલા ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળશે અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરશે. રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજરી આપશે કે નહીં તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. ખડગેને મળ્યા પહેલા સીએમ સિદ્ધારમૈયા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
20 મેના રોજ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના શપથ ગ્રહણ બાદ, મંત્રીઓના ખાતાની હજુ સુધી વહેંચણી કરવામાં આવી નથી. જે આઠ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં જી પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ, એમબી પાટીલ, સતીશ જરકીહોલી, પ્રિયંક ખડગે, રામલિંગા રેડ્ડી, બીઝેડ જમીર અહેમદ ખાનનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે પ્રિયંક ખડગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે. પ્રિયંક કલબુર્ગી જિલ્લાની ચિતાપુર બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે.
ભૂતપૂર્વ પ્રધાન અને પાંચ વખત ધારાસભ્ય પદે ચૂંટાયેલા યુટી ખાદરને બુધવારે કેબિનેટ પ્રધાનો પરના ઝઘડા વચ્ચે સર્વસંમતિથી કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ખાદર કર્ણાટકની મેંગલુરુ સીટના ધારાસભ્ય છે. ખાદરને સ્પીકર બનાવ્યા પછી, સીએમ સિદ્ધારમૈયાએ તેમને ઉત્સાહી અને સક્રિય નેતા ગણાવ્યા. તેમણે કહ્યું કે તેમની બિનસાંપ્રદાયિક માનસિકતા તેમને કોઈપણ પક્ષ પ્રત્યે પક્ષપાત કર્યા વિના કામ કરવામાં મદદ કરશે.