
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) એ ઓડિશાના દરિયાકાંઠેથી આશરે 43 કિલોમીટર દૂર ઊંડા દરિયામાં મહાનદી બેસિનમાંથી કુદરતી ગેસની નવી અને મહત્વપૂર્ણ શોધ કરી છે. આ શોધ 18 સપ્ટેમ્બરના રોજ અંદાજે 1450 મીટરની ઊંડાઈએ આવેલા ‘MDW 28’ નામના કૂવામાં થઈ હતી, જ્યાં છેલ્લા ત્રણ દિવસથી સતત સારા પ્રેશર અને ઝડપ સાથે ગેસ નીકળી રહ્યો છે. જોકે, ગેસના કુલ ભંડારનો ચોક્કસ આંકડો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.
ભારત માટે આ શોધ અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે, કારણ કે તેનાથી દેશનું તેલ અને ગેસ આયાત બિલ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. હવે પછીના પરીક્ષણોથી એ સ્પષ્ટ થશે કે આ કૂવામાંથી કેટલો ગેસ કાઢી શકાશે અને તેનું વ્યાપારી ઉત્પાદન કેટલું આર્થિક ફાયદાકારક સાબિત થશે. ONGC એ જણાવ્યું છે કે કંપની ઊંડા અને અતિ-ઊંડા દરિયાઈ વિસ્તારોમાં ઓઇલ અને ગેસની શોધખોળ આગળ પણ ચાલુ રાખશે.
આ સફળતા એવા સમયે મળી છે જ્યારે બે વર્ષ અગાઉ 2024 માં ONGC એ આ જ મહાનદી બેસિનમાં ‘ઉત્કલ’ અને ‘કોણાર્ક’ નામના બે ગેસ ક્ષેત્રો શોધ્યા હતા. હાલ જે કૂવામાંથી ગેસ મળ્યો છે તે MDW 28 કોણાર્કથી આશરે 23 નોટિકલ માઈલ દૂર આશરે 770 મીટર ઊંડા પાણીમાં સ્થિત છે. ONGC ના વર્તમાન અભિયાન હેઠળ ડ્રિલિંગ થનારા કુલ ચાર કૂવાઓમાંથી આ પ્રથમ કૂવો છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ શોધને ભારતના અપતટીય (ઓફશોર) સંશોધન કાર્યક્રમ માટે એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાવી છે. તેમણે જણાવ્યું કે આ ક્ષેત્રમાં થયેલી અન્ય શોધો સાથે સંકલન સાધીને સહિયારી માળખાકીય સુવિધાઓ દ્વારા પ્રોજેક્ટ વિકસાવી શકાશે, જેનાથી ઉત્પાદન ખર્ચ અને સમય બંનેમાં મોટો ઘટાડો થશે.
MDW 28 કૂવાનું ડ્રિલિંગ 25 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું. તે કેન્દ્ર સરકારની ‘સમુદ્ર મંથન’ પહેલ હેઠળ મહાનદી બેસિનના વણખેડાયેલા ઊંડા દરિયાઈ વિસ્તારોની શોધખોળનો એક મુખ્ય ભાગ છે. સરકારી એજન્સીઓના અનુમાન મુજબ, આ બેસિનમાં જમીન પર આશરે 45 મિલિયન ટન અને છીછરા દરિયાઈ પાણીમાં આશરે 100 મિલિયન ટન હાઇડ્રોકાર્બન સંસાધનો મોજૂદ હોવાનું મનાય છે, જ્યારે ઊંડા દરિયાઈ ક્ષેત્રનું આકલન હજુ પ્રગતિમાં છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જુલાઈ મહિનામાં ₹84,084 કરોડના જંગી બજેટ સાથે ‘સમુદ્ર મંથન’ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, જે 2030-31 સુધી કાર્યરત રહેશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ થકી દેશના હાઇડ્રોકાર્બન અનામત ભંડારમાં 600 મિલિયન ટનથી વધુનો વધારો થવાની સરકારને પ્રબળ આશા છે.