
કેન્દ્ર સરકારે ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર વિરુદ્ધ મોટું પગલું ભરતા 242 વેબસાઇટ બ્લોક કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 7,800 થી વધુ ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગારની વેબસાઇટ્સ બંધ કરાવી દીધી છે. જણાવી દઈએ કે, ઓનલાઇન ગેમિંગ એક્ટ પસાર થયા બાદ આ પ્રકારની કાર્યવાહીમાં તેજી આવી છે.
આજે (શુક્રવારે) લેવામાં આવેલા આ પગલાંનો ઉદ્દેશ્ય યુવાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી તથા જુગારના પ્લેટફોર્મથી થતા આર્થિક તેમજ સામાજિક નુકસાનને રોકવાનો છે.
છેલ્લા એક વર્ષમાં દેશની તપાસ એજન્સીઓ, જેમ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ઓનલાઇન બેટિંગ એપ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ગયા વર્ષે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઈન્દોરમાં ‘ડબ્બા ટ્રેડિંગ’ કેસમાં (Indore Dabba Trading Case) 34 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત (Attach) કરી હતી.
આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી હતી. વધુમાં જે લોકોની મિલકત જપ્ત કરવામાં આવી છે, તેમાં વિશાલ અગ્નિહોત્રી, તરુણ શ્રીવાસ્તવ, હિતેશ અગ્રવાલ, ધર્મેશ ત્રિવેદી, શ્રીનિવાસન રામાસામી, કરણ સોલંકી, ધવલ જૈન અને તેમના પરિવારના સભ્યો જોડાયેલા હતા. આ સમગ્ર મામલો ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન સટ્ટાબાજી સાથે જોડાયેલો હતો.
આવી જ રીતે, ગયા વર્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની મુંબઈની ટીમે ગેરકાયદેસર ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ ‘Parimatch’ પર મોટી કાર્યવાહી કરી હતી. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મુંબઈ, દિલ્હી, નોઈડા, જયપુર, સુરત, મદુરાઈ, કાનપુર અને હૈદરાબાદમાં 17 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આ દરોડા દરમિયાન અલગ-અલગ વ્યક્તિ અથવા કંપનીઓના બેંક ખાતાઓમાં રહેલી લગભગ 110 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી દેવામાં આવી હતી, જેનો ઉપયોગ ‘મ્યુલ એકાઉન્ટ’ (બીજાના પૈસા રાખવા અને ફેરવવા માટે બનાવેલા ખાતા) તરીકે કરવામાં આવતો હતો. આ સાથે બીજા ઘણા મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઇસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
Published On - 8:36 pm, Fri, 16 January 26