આજે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકોનો બીજો દિવસ છે. 2024માં યોજાનારી લોકસભા અને આ વર્ષે યોજાનારી 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપે કમર કસી છે. બીજા દિવસે બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીને લઈ રણનીતિ ઘડાશે. સાથે સાથે 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે પણ ચર્ચા કરાશે. એટલું જ નહીં ગુજરાતમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત અંગે ચર્ચા કરાશે. તો આ કાર્યકારિણીની બેઠકમાં ગુજરાતની ઐતિહાસિક જીત પર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રિપોર્ટ આપશે. ગુજરાતમાં 156 બેઠકો પર મળેલી જીત અંગે વાત સી આર પાટીલ વાત કરશે. તો જીત પાછળના કારણો અને સંગઠનની કામગીરી અંગે પણ ચર્ચા કરશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં ભાજપે કઇ રણનીતિ પર કામ કર્યું હતું તે અંગે માહિતી આપશે. ભાજપે પહેલીવાર ગુજરાતમાં જીતનો રેકોર્ડ તોડયો છે, ત્યારે આ કાર્યકારિણીની બેઠકમાં ગુજરાતની ઐતિહાસિક જીત પર ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રિપોર્ટ આપશે. લોકોના વિકાસ માટે કેન્દ્ર સરકારે કરેલા કામને લઇ ચર્ચા થઇ શકે છે. કોરોનાકાળમાં મોદી સરકારના કામો, વિશ્વમાં ભારતની આર્થિક અને રાજકીય સ્થિતિ અને ભાજપ સંગઠનને લઇને વિશેષ ચર્ચા કરાશે. પેજ સમિતિના સફળ મોડલ અંગે વાત કરશે. આજે સાંજે પ્રધાનમંત્રી મોદી સમાપન સંબોધન કરશે
એટલું જ નહીં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામને લઇ પણ બેઠકમાં નિર્ણય લેવાઇ શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરી જે.પી. નડ્ડાનો કાર્યકાર એક વર્ષ સુધી વધી શકે છે. આ તમામ ચર્ચા બાદ પીએમ મોદી સાંજે બેઠકમાં સંબોધન કરશે. ભાજપ હોદ્દેદારોને ચૂંટણીમાં જીત માટે પીએમ મોદી મંત્ર આપશે. પીએમ મોદીના સંબોધન બાદ કાર્યકારિણી બેઠક પૂર્ણ થશે.
પ્રમુખસ્તરેથી કરાયેલા સંબોધન બાદ, 5 રાજ્યોના નેતાઓએ ચૂંટણીને લઈને તેમની તૈયારીઓ અંગે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કેન્દ્રીય નેતૃત્વને પ્રેઝન્ટેશન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના ભાજપ એકમ અને તેના પ્રમુખ બંદી સંજય કુમારની પ્રશંસા કરી હતી અને પ્રતિકૂળ સંજોગોમાં તેલંગાણામાં સંઘર્ષ કરી રહેલા ભાજપના નેતાઓની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ નાગાલેન્ડના પ્રેઝન્ટેશનમાં પણ ઘણો રસ દાખવ્યો હતો અને ત્યાંના નેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
Published On - 10:05 am, Tue, 17 January 23